ગુજરાતમાં ક્ષત્રિય સમાજ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ફસાયેલા રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવા મામલે ભારે હોબાળો અને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
તેઓએ ફોર્મ ભરતા પહેલા આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા અને જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા અને બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
બીજી તરફ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગણી કરી રહેલા ક્ષત્રિય સમાજને પણ રાષ્ટ્રના હિત માટે સહકાર આપવા અપીલ કરી હતી
જોકે, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગણી ઉપર અડગ છે અને જો રૂપાલા ચૂંટણી લડશે તો ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગત રોજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી પણ આ બેઠક નિષ્ફળ રહી હતી.
આ બેઠકમાં ક્ષત્રીય સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ ચાલુ રાખી હતી અને ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ રૂપાલાને માફી આપવા વિન્નતી કરી હતી પણ ક્ષત્રિય આગેવાનો રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ ઉપર અડગ રહેતા આખરે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરી જવાબ આપવાનું જણાવતા કોઈ નિવેડો આવ્યો ન હતો.
આમ,હવે 19 તારીખે ફોર્મ પરત ખેંચવાના દિવસ સુધી રાહ જોયા બાદ ક્ષત્રિય આગેવાનો દ્વારા સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં આંદોલન ઉગ્ર બનાવે તેવા એધાણ છે પરિણામે હવે આગળ શું થશે તે સામે સૌની મીટ મંડાઈ છે.