અદાણી અને ટોરેન્ટ કેમ થયા બહાર ? : સીવીસી ગ્રૂપને સિંગાપોરનું ફંડિંગ અને રિલાયન્સનું પીઠબળ – સૂત્ર

આઈપીએલમાં આવતા વર્ષથી એટલે કે 2022 થી અમદાવાદ અને લખનઉની એમ બે ટીમ ઉમેરાશે. આમ આઇપીએલ હાલની આઠ ઉપરાંત આજે થયેલ બીડિંગમાં સૌથી ઉંચા ભાવે રહીને સ્થાન પામેલ અમદાવાદ ટીમ અને લખનઉ ટીમ મળી દસ ટીમ વચ્ચે રમાશે.

અમદાવાદની ટીમ તમામ ચાહકો જ નહીં પણ કદાચ બીસીસીઆઈ અને કોર્પોરેટ જગતના આશ્ચર્ય વચ્ચે લક્સમબર્ગમાં હેડ કવાર્ટર છે અને સિંગાપુરનું ફંડિગ ધરાવે છે તેવી સીવીસી કેપિટલ્સે રૂ. 5625 કરોડમાં ખરીદી છે. એવું મનાય છે કે સીવીસી કેપિટલ્સ પાછળ રિલાયન્સનો પડછાયો છે.તેઓનું ટીમ મેનેજમેન્ટની રીતે કે ખરીદીમાં ‘બેકિંગ’ હોઇ શકે. લખનઉની ટીમની ગોએન્કાના એલ જી ગુ્રપે રૂ. 7090 કરોડની હાઇએસ્ટ બીડ સાથે માલિકી મેળવી છે.

સૌજન્ય સ્પોર્ટ્સ સ્ટાર.

ક્રિકેટ વર્તુળમાં એવી પ્રબળ માન્યતા પ્રવર્તતી હતી કે અદાણી ગુ્રપ જ અમદાવાદની ટીમની માલિક બનશે પણ અદાણી ઉપરાંત ટોરેન્ટ ગુ્રપ પણ તુલનાત્મક રીતે ઓછી બીડિંગ સાથે આઉટ થઈ ગયા હતા. અદાણી ગુ્રપે અમદાવાદ માટે રૂ. 5100 કરોડ અને ટોરેન્ટ ગુ્રપે 4653 કરોડની બીડ લગાવી હતી.ગોએન્કા ભૂતકાળમાં 2016 અને 2017 માં બે વર્ષ માટે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટસની ટીમના માલિક રહી ચૂકયા છે તેથી તેઓને બીડિંગ પ્રક્રિયા પર ફાવટ છે જે તેને કામ લાગી હતી.