મુંબઇની ક્રાઇમ જર્નલિસ્ટ જીજ્ઞા વોરોની અસલ જિંદગી પર બનેલી વેબસિરીઝ સ્કૂપ

‘સ્કેમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી’ પછી, દર્શકો હંસલ મહેતાની આગામી સિરીઝ ‘સ્કેમ 2003 – ધ તેલગી સ્ટોરી’ની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ તેમના ‘સ્કૂપ’થી ફરીથી તેઓ ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છે મુંબઇના ક્રાઇમ જર્નલિસ્ટ જીજ્ઞા વોરાના પુસ્તક Behind The Bars In Byculla: My Days in Prison પર આધારિત વેબસિરીઝ સ્કૂપની…. બીજી જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ સ્કૂપની ચર્ચા ચારેકોર છે. કારણ કે પ્રોડ્યુસર ડિરેક્ટર હંસલ મહેતાએ સ્કેમ 1992માં પ્રતિક ગાંધી સાથે દર્શકોના દિલોદિમાગ પર છવાયા હતા તેમ જ સ્કૂપમાં કરિશ્મા તન્ના દ્વારા એ જ છાપ છોડવામાં સફળ રહ્યા છે.

Scoop, જે શુક્રવારે Netflix પર રિલીઝ થઇ છે અને હંસલ મહેતાએ રિયલ લાઇફ સ્ટોરીને રીલ દ્વારા બખુબી આબેહૂબ બનાવી છે. આ વેબસિરીઝ દ્વારા સામે આવ્યું છે કે પત્રકારો પોતે જ જ્યારે સમાચાર બને છે, મોટા સ્કૂપની શોધમાં નૈતિક મૂલ્યોને અવગણીને, પોલીસ વિભાગ કેવી રીતે કામ કરે છે, અને કૌટુંબિક મૂલ્યોની શક્તિ આગળ તમામ પેંતરાઓ કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેની આસપાસની સ્ટોરી સ્કૂપ દ્વારા બહાર આવ્યું છે.

સ્કૂપની વાર્તા શું છે?
જાગૃતિ પાઠક (કરિશ્મા તન્ના) સિંગલ મધર છે. મુંબઈમાં એક નાનકડા એપાર્ટમેન્ટમાં તેની માતા, મામા અને દાદા-દાદી સાથે રહે છે. 10 વર્ષનો પુત્ર મુંબઈ નજીક પંચગનીની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અંગ્રેજી અખબાર ઈસ્ટર્ન એજમાં ડેપ્યુટી બ્યુરો ચીફ અને વરિષ્ઠ ક્રાઈમ રિપોર્ટર જાગૃતિ અંડરવર્લ્ડ પરના પત્રકારત્વ પર જબરદસ્ત પકડ ધરાવે છે.

પોલીસ વિભાગ અને અંડરવર્લ્ડ બંનેમાં તેની પાસે સૂત્રોનું મજબૂત નેટવર્ક છે. જાગૃતિ વિશિષ્ટ અને ફ્રિન્જ પૃષ્ઠ વાર્તાઓની શોધમાં છે. તેના ખબરીઓનું રક્ષણ અને સમર્થન કરવા માટે જાણીતી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હર્ષવર્ધન શ્રોફ (હરમન બાવેજા) સાથે તેના સારા સંબંધો છે.

જાગૃતિના જીવનમાં એક વળાંક આવે છે જ્યારે અંગ્રેજી અખબાર ન્યૂઝ ડેના ઇન્વેસ્ટિગેટિવ એડિટર જયદેવ સેન (પ્રોસેનજિત ચેટર્જી)ની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે. આ ઘટના વખતે જાગૃતિ તેના પરિવાર સાથે કાશ્મીરમાં રજાઓ માણી રહી છે.

આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ દરમિયાન અન્ય પત્રકારો પણ શંકાના દાયરામાં આવે છે. મોટાભાગની પૂછપરછ થાય છે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજને સેનની હત્યાની જવાબદારી લીધી. પરંતુ ઘટનાના થોડા સમય પહેલા છોટા રાજનનો ઈન્ટરવ્યુ લેવાના કારણે જાગૃતિ પર આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લાગે છે, જાગૃતિ પર આરોપ લાગે છે કે તેણે ઈન્ટરવ્યુના બદલામાં ડોનને સેનના ઘરનું સરનામું અને બાઇક નંબર લીક કરી દીધા હતા, જેનો ઉપયોગ તેના દ્વારા શૂટરોએ કર્યો હતો. બસ ત્યારબાદ મુંબઇ પોલીસ જાગૃતિને મકોકા ( Maharashtra Control Of Organised Crime Act) હેઠળ ધરપકડ કરી લે છે, બસ અહીંથી શરૂ થાય છે જાગૃતિના જીવનની સંઘર્ષપૂર્ણ કહાની….. તેના પર MCOCA લાગુ કરવામાં આવ્યો હતો અને તેને જામીન ન મળે ત્યાં સુધી 9 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

કરિશ્માનો અભિનય અદભૂત તો ઝિશાન ઐયુબ વધુને વધુ પરિપક્વ
કરિશ્મા તન્નાએ ‘સ્કૂપ’માં જાગૃતિનું પાત્ર ભજવ્યું છે. હું ઘણા સમયથી કરિશ્માને જોઈ રહ્યો છું. તે સંભાવનાઓથી ભરેલી છે. સ્કૂપ જોયા બાદ તમને એવું લાગશે કે કરિશ્મા તન્નાને અત્યાર સુધી અભિનયનો જાદુ પાથરવાનો મોકો જ ક્યારેય મળ્યો નથી. કારણ કે આ વેબસિરીઝ દ્વારા તે સફળ જરૂર થઇ છે. ‘સ્કૂપ’ તેના માટે યોગ્ય તક છે. જ્યાં તેની પાસે માત્ર અભિનય કરવા માટે સમય જ ન હતો, તેને તે પાત્ર જીવવાનો સમય મળ્યો. કરિશ્મા ગુજરાતી હોવાના કારણે તેના પાત્રને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. આ એક એવી વસ્તુ છે, જે તેના પાત્ર અથવા શ્રેણીના પ્લોટમાં કંઈ ખાસ ઉમેરતી નથી. પણ જો એ વસ્તુ ન હોત તો કંઈક કમી રહી હોત. મોહમ્મદ ઝીશાન ઐયુબે જાગૃતિના માર્ગદર્શક અને ઈસ્ટર્ન એજ અખબારના સંપાદકની ભૂમિકા ભજવી છે. આ કદાચ પહેલીવાર છે જ્યારે ઝીશાન તેની ઉંમર કરતા મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. તેઓ એક પ્રકારની સંવેદનશીલતા લાવે છે. જે આ શ્રેણીની તરફેણમાં કામ કરે છે.

સ્કૂપની પટકથા અને સંવાદો કેવા છે?
અનુ સિંઘ ચૌધરીએ જીજ્ઞાના પુસ્તક પર આધારિત લખાયેલી વાર્તામાંથી ચુસ્ત પટકથાનું રૂપાંતર કર્યું છે. શ્રેણીમાં લગભગ છ એપિસોડ છે અને દરેક એપિસોડનો સમયગાળો લગભગ એક કલાકનો છે, તેમ છતાં સિરીઝ દરેક એપિસોડ પ્રમાણે વધુને વધુ જકડી રાખે છે. ખાસ કરીને, ત્રીજા એપિસોડ પછી ‘સ્કૂપ’ રોમાંચના સ્તર પર પહોંચી જાય છે કે કારણ કે ત્યારથી તેનો એકપણ સીન એવો નથી જે તમન જરાયે દૂર થવા દે….. હંસલ મહેતાની સ્કેમ 1992માં જેમ ડાયલોગથી પ્રતિક ગાંધી છવાઇ જાય છે તેમ આ સિરીઝમાં કરિશ્મા તન્ના પોતાના જાદુઇ અભિનયથી રિયાલિટી પ્રસ્તુત કરવામાં સફળ રહી છે.

જેલની અંદરની જીંદગીની ફિલ્મો અને વેબ સિરીઝ સેંકડો વખત જોવા મળી છે, તેમ છતાં આ સ્કૂપના દ્રશ્યો ગતિને ધીમી પડવા દેતા નથી. ચોથા એપિસોડથી, શ્રેણી એક રોમાંચક કોર્ટરૂમ ડ્રામામાં ફેરવાય છે. આ દ્રશ્યોને અસરકારક બનાવવામાં કરણ વ્યાસના સંવાદોની ભૂમિકા પણ નોંધનીય છે. સંવાદો સરળ, સીધા અને પાત્રોના ચિત્રણને અનુરૂપ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટિપ્પણી કરે છે, પરંતુ રોમાંચને ઓછો થવા દેતી નથી. દરેક વ્યવસાયની કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ બાજુઓ હોય છે, પરંતુ મહત્વાકાંક્ષાઓ પાછળ દોડતી વખતે તેમની વચ્ચેની રેખા ક્યારે અસ્પષ્ટ થઈ જાય છે . જેલમાં જાગૃતિના સંવાદ દ્વારા સ્કૂપ આ મુદ્દા પર પણ વિચાર કરવા દબાણ કરે છે.

સાથે જ તે એ વાત પર પણ ભાર મૂકે છે કે સત્ય સુધી પહોંચવું સૌથી અગત્યનું છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે કયો માર્ગ અપનાવવામાં આવ્યો છે તે પણ મહત્વનું છે. ઈસ્ટર્ન એજના સંપાદક ઈમરાન કહે છે ત્યારે પત્રકારત્વ વ્યવસાયની વ્યાપારીક મજબૂરીઓ અને નીતિશાસ્ત્ર વચ્ચેની દ્વિધા સંવાદો દ્વારા ઉભી થાય છે.