65 વર્ષીય રસિક દવે કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાતના જાણીતા ટીવી કલાકાર રસિક દવેનું મુંબઈમાં નિધન થયું છે. રસિક દવેના નિધનને પગલે ગુજરાતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી મળ્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને મુંબઈમાં આજે રાત્રે 8 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમયે તેમની બંને કિડની ફેલ થતાં રસિક દવેનું નિધન થયું હતું. તેઓ પત્ની કેતકી દવે અને એક પુત્ર તથા પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.

65 વર્ષીય રસિક દવે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતો ચહેરો હતો અને તેમણે મહાભારતમાં નંદનું પાત્ર ભર્યું હતું. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની સૌથી લાંબી ચાલેલી સુપ્રસિદ્ધ સીરિયલ એક મહેલ હો સપનો કા માં પણ કામ કર્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ અભિનેતાની સાથે સાથે એક ઉત્તમ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. આ ઉપરાંત દુરદર્શનની જાણીતી ટીવી સીરીયલ વ્યોમકેશ બક્ષીમાં પણ તેઓએ કામ કર્યું હતું. તો છેલ્લે ટીવી સિરિયલ સંસ્કાર – ધરોહર અપનોં કીમાં દેખાયા હતા. જેમાં તેમણે કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવની ભૂમિકા નિભાવી હતી. છેલ્લા બે વર્ષથી તેઓની મુંબઈમાં કિડનીની બીમારીની સારવાર ચાલતી હતી અને તેઓને સતત ડાયાલિસિસ પર રહેવું પડતું હતું. ગુજરાતી રંગભૂમિમાં પણ એક આગવું સ્થાન હતું અને તેમના નિધનને પગલે ગુજરાતી રંગભૂમિ ટીવી અને ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ રસિક દવેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની અંતિમયાત્રા આવતીકાલે મુંબઈ ખાતે કરવામાં આવશે.

કેતકીની માતા પણ એક પ્રખ્યાત અભિનેત્રી સરિતા જોશી છે અને તેના પિતા (સ્વર્ગસ્થ) પ્રવિણ જોશી થિયેટર દિગ્દર્શક હતા. તેણીની એક નાની બહેન પુરબી જોશી છે જે અભિનેત્રી અને એન્કર પણ છે. રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા. રસિકે તેની કારકિર્દી ‘1982 માં ગુજ્જુ ફિલ્મ ‘પુત્ર વધૂ’ થી શરૂ કરી અને ગુજરાતી અને હિન્દી બંને માધ્યમોમાં કામ કર્યું. કેતકી અને રસિકે 2006માં ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો.અમે નમસ્કાર ગુજરાત પરિવાર કેતકી દવે અને તેમના પરિવારના સભ્યોની સંકટની ઘડીમાં તેમની સાથે ઊભા છીએ અને રસિક દવેની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.