મણિપુરમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણીમાં થયેલા પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન જે બૂથ પર આગચંપી, હિંસા અને તોડફોડ થઇ ત્યાં ચૂંટણી પંચે પુનઃ મતદાનનો આદેશ આપ્યો છે.

મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મતદાન મથકો ખુરાઈ મતવિસ્તારમાં મોઈરાંગકમ્પુ સાઝેબ અને થોંગમ લીકાઈ, ચાર છેત્રીગાવમાં, એક ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના થોંગજુમાં, ત્રણ ઉરીપોકમાં અને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોંથૌજામમાં એક છે. જણાવી દઈએ કે શુક્રવારે બે લોકસભા મતવિસ્તારો – આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુરમાં 72 ટકા મતદાન નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસ પાર્ટીએ સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં 47 મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી હતી. શુક્રવારે, રાજ્યની બે સંસદીય બેઠકો, આંતરિક મણિપુર મતવિસ્તારના તમામ બૂથ અને બાહ્ય મણિપુર મતવિસ્તારના કેટલાક બૂથ પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે આઉટર મણિપુરના કેટલાક મતદાન મથકો પર યોજાશે.