રાજસ્થાન રોયલ્સ 19.2 ઓવરમાં 3 વિકેટે 179 રન, ગુજરાત ટાઇટન્સ 7 વિકેટે 177 રન, હેટમાયર અણનમ 56 રન, સંજુ સેમસન 60 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સે 19.2 ઓવરમાં જ 178 રનનો લક્ષ્યાંક ચેઝ કરીને શાનદાર જીત મેળવી હતી. ગુજરાત ટાઇટસન્સની ઘરઆંગણે આ બીજી હાર છે તો સતત બીજી જીત નોંધાવીને પોઇન્ટસ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. કેપ્ટન સંજુ સેમ્સને સ્ફોટક ઇનિંગ રમતા 32 બોલમાં છ છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 60 રન નોંધાવ્યા હતા તો શેમરોન હેટમાયરે વિનિંગ ઇનિંગ રમતા 26 બોલમાં 56 રન 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી ફટકાર્યા હતા. ગુજરાત તરફથી અલ્ઝારી જોસેફ સૌથી ખર્ચાળ સાબિત થયો હતો અને ત્રણ ઓવરમાં 47 રન આપ્યા હતા. તો આ તરફ રાશિદ ખાને 4 ઓવરમાં 46 રન આપી બે વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આજે રાશિદને જ ટાર્ગેટ કર્યો હતો અને તેની બોલિંગમાં 5 છગ્ગા ફટકાર્યા હતા.

છેલ્લી ત્રણ ઓવરમાં રાજસ્થાન રોયલ્સે 36 રન ફટકાર્યા

અંતિમ બે ઓવરમા 12 બોલમાં 25 રન જોઇતા હતા ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોહમ્મદ શમીને બોલિંગ આપી હતી. જોકે શમીની ઓવરમાં ધ્રુવ જુરેલ અને આર. અશ્વિને એક-એક છગ્ગો ફટકારતા પાસું રાજસ્થાન રોયલ્સની તરફેણમાં આવી ગયું હતું. પરંતુ શમીએ બંનેની વિકેટ લેતા મેચ રોમાંચક બની હતી અને અંતિમ ઓવરમાં 7 રન જીત માટે મહેમાન ટીમને જોઇતા હતા. જુરેલે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 10 બોલમાં 18 રન ફટકાર્યા હતા તો અશ્વિને 3 બોલમાં 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

રાજસ્થાનની નિરાશાજનક શરૂઆત
રાજસ્થાન રોયલ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. ચાર રનના ગાળામાં જ રોયલ્સે બંને ઓપનિંગ બેટસમેન ગુમાવ્યા હતા. યશશ્વી જયસ્વાલ એક રન તથા બટલર ઝીરો પર આઉટ થયો હતો. આ તરફ કેપ્ટન સંજુ સેમ્સન અને દેવદત્ત પડ્ડિકલે ત્રીજી વિકેટ માટે 43 રન નોંધાવીને રાજસ્થાન રોયલ્સનો રકાસ અટકાવ્યો હતો.

ગુજરાત ટાઇટસન્સે આપ્યો 178 રનનો લક્ષ્યાંક
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમ 20 ઓવરમાં 177 રન સુધી જ પહોંચી શકી હતી, ટીમ તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત ટાઇટન્સે પાવર પ્લેની પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાની ઓપનિંગ જોડી ટીમને સારી શરૂઆત અપાવી શકી ન હતી. ગુજરાતની ટીમને પહેલો ફટકો સાહાના રૂપમાં 5ના સ્કોર પર લાગ્યો હતો જે માત્ર 4 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.

ગિલ અને હાર્દિક વચ્ચે અડધી સદીની ભાગીદારી
આ પછી અત્યાર સુધીની સિઝનમાં શાનદાર ફોર્મમાં રહેલા સાઈ સુદર્શન બેટિંગ કરવા આવ્યા અને ગિલ સાથે મળીને દાવને આગળ ધપાવવાની શરૂઆત કરી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 27 બોલમાં 27 રનની ભાગીદારી થઈ હતી. સુદર્શન 19 બોલમાં 20 રન બનાવીને રનઆઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ગિલ અને હાર્દિક વચ્ચે અડધી સદીની ભાગીદારીને પગલે ગુજરાત ટાઇટન્સે 100ના આંકડાની નજીક પહોંચી હતી.

42ના સ્કોર સુધી 2 વિકેટ ગુમાવી ચૂકેલી ગુજરાતની ઇનિંગ્સને સુકાની હાર્દિક પંડ્યાએ શુભમન ગીલ સાથે મળીને સતત રનની ગતિ જાળવી રાખી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 33 બોલમાં 59 રનની ઝડપી ભાગીદારી જોવા મળી હતી. આ મેચમાં 19 બોલમાં 28 રનની ઈનિંગ રમ્યા બાદ હાર્દિકે યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. ગુજરાતની ટીમને 91 રનના સ્કોર પર ત્રીજો ફટકો લાગ્યા બાદ ગિલને ડેવિડ મિલરનો સાથ મળ્યો અને બંને વચ્ચે ચોથી વિકેટ માટે 29 બોલમાં 30 રનની ભાગીદારી જોવા મળી હતી. ગિલ આ મેચમાં 34 બોલમાં 45 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

અંતિમ ઓવરોમાં અભિનવ મનોહરનો સ્ફોટક અંદાજ

છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરને સપોર્ટ કરવા મેદાનમાં ઉતરેલા અભિનવ મનોહરે 5મી વિકેટ માટે માત્ર 22 બોલમાં 45 રનની ઝડપી ભાગીદારી કરીને ટીમના સ્કોરને 160થી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મનોહર દ્વારા 13 બોલમાં 27 રનની ઝડપી ઇનિંગ જોવા મળી હતી, જ્યારે ડેવિડ મિલરે 30 બોલમાં 46 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ગુજરાતની ટીમ આ મેચમાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.