પીએમ મોદી યુપીના લખનઉ સુધી ગયા પરંતુ લખીમપુર ખીરી ન ગયા.

યુપીના લખીમપુર ખીરીની મુલાકાત પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર અને યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, ‘કૃષિ કાયદાના નામે ખેડૂતો પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશના ખેડૂતને કાર નીચે કચડવામાં આવી રહ્યાં છે. પીએમ મોદી યુપીના લખનઉ સુધી ગયા પરંતુ લખીમપુર ખીરી ન ગયા. આજે સરકાર ખેડૂતોની શક્તિને પારખવામાં નબળી પૂરવાર થઈ રહી છે. દેશના ખેડૂતો પોતાની માંગ સાથે દિલ્હીમાં બેઠા છે.’

પહેલાં ભારતમાં લોકતંત્ર હતું, જ્યારે હવે અહીં તાનાશાહી છે
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘પહેલાં ભારતમાં લોકતંત્ર રહેતું હતું જ્યારે હવે અહીં તાનાશાહી છે. રાજનેતા યુપીમાં નથી જઇ શકતા.આ પહેલાં પ્રિયંકાના ગાંધીની ધરપકડના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પ્રિયંકાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ અહીં મોટામાં મોટો મુદ્દો ખેડૂતોનો છે.’ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘દેશની બંધારણીય સંસ્થાઓ પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. કોઈ રાજનેતા આજે UP નથી જઈ શકતા. સરકાર બંધારણીય સંસ્થાઓ પર કંટ્રોલ કરી રહી છે.

પત્રકારે સવાલ કર્યો કે, પ્રિયંકાએ પોલીસ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. જે મુદ્દે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘અમને મારી નાખો, દાટી દો, સાથે અમારી સાથે ખરાબ વર્તન પણ કરો પરંતુ તેનાથી અમને કોઇ જ ફર્ક નહીં પડે. અમારી ટ્રેનિંગ જ આવી છે. મુદ્દો ખેડૂતોનો છે તો તેઓની રજૂઆતો કરતા જ રહીશું.’