કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌ સૈનિકોને આજે ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે.
ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા રદ કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો હતો અને સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો.

મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ.
મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં.
અમે કતાર પ્રશાસન સાથે આ મામલો સતત ઉઠાવતા આવ્યા છીએ અને ઉઠાવતા રહીશું.
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર તરીકે કરવામાં આવી છે.

કતાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ 2022માં કતારની પોલીસે આઠ પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને તેઓ ઇઝરાયલ માટે જાસૂસી કરતા હોવાનો આરોપ મુકીને ધરપકડ કરી લીધી હતી,આ પછી તેમની સામે કોર્ટમાં કેસ ચાલ્યો, અધિકારીઓએ જામીન અરજી પણ કરી હતી પરંતુ તેમની અરજીઓ સતત ફગાવી દેવામાં આવી. એક વર્ષ બાદ કતારની નીચલી અદાલતે તેમને ફાંસીની સજા ફટકારી હતી જોકે, ભારત દ્વારા કરાયેલી અપીલ બાદ ફાંસીની સજા રદ કરી સજામાં ઘટાડો કરાયો છે.