કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી સીધા સેટમાં આપી હાર, સિંધુએ 2014માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2022માં જીત્યો ગોલ્ડ મેડલ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વધુ એકવાર ભારતને ગૌરવવંતો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કેનેડાની મિશેલ લીને વુમન્સ સિંગલ્સ ફાઇનલમાં આસાનીથી હાર આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પીવી સિંધુ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022ની બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી સામે મુકાબલો હતો જેને વિશ્વની 7મી ક્રમાંકિત શટલર પીવી સિંધુએ હરાવી પ્રથમવાર ગોલ્ડ મેડલ સિંગલ્સ ઇવેન્ટમાં જીત્યો છે. સિંધુના ગોલ્ડ સાથે જ ભારત મેડલ્સ ટેલીમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.
એકતરફી મુકાબલામાં સિંધુ પહેલેથી જ હાવી રહી હતી અને પ્રથમ ગેમ 21-15થી જીતી લીધી હતી. જ્યારે બીજી ગેમમાં સિંધુએ પાછળ વળીને જોયું નહતું. ભારતીય શટલરે બીજી ગેમમાં લીને 21-13થી હાર આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સીઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
સિંધુએ અત્યાર સુધી 8 મેચમાં મિશેલને આપી છે હાર
પીવી સિંધુ અને મિશેલ લી ભૂતકાળમાં 10 વખત સામસામે આવી ચૂક્યા છે. આમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે મિશેલે બે વખત જીત મેળવી છે. આ પહેલા પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022ની સેમી ફાઇનલમાં સિંગાપોરની વાઇ જિયા મિનને હરાવી હતી. સિંધુએ આ મેચ 21-19, 21-17થી જીતી હતી.