રાજકીય ઘમાસાણ વચ્ચે પંજાબમાં આજે નવાજૂનીના એંધાણ, 5:00 વિધાયક દળની કોંગ્રેસે બોલાવી બેઠક
સીએમ પદેથી હટાવાય તો અમરિન્દર સિંહની રાજીનામાની ચીમકી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે હવે ગુજરાતની જેમ પંજાબમાં પણ સીએમ બદલાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે.
પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં ફરી એક વખત 40 ધારાસભ્યોએ કેપ્ટન સામે પત્ર લખ્યો છે અને તેની પાછળ સિધ્ધુ અને તેમના નિકટના લોકોનો હાથ હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સંજોગોમાં કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યુ છે કે, હું આ રીતે અપમાનિત થઈને કોંગ્રેસમાં રહી શકું તેમ નથી.
તેમણે સાથે સાથે સોનિયા ગાંધીને એવુ પણ કહ્યુ છે કે, જો મને સીએમ પદેથી હટાવવામાં આવ્યો તો હું પાર્ટી પણ છોડી દઈશ અને એવુ પણ કહ્યુ છે કે, આટલા અપમાન પછી કોંગ્રેસમાં રહેવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સિધ્ધુ સમર્થકોની વાત પાર્ટી સાંભળી રહી છે. કારણકે 68 માંથી 40 ધારાસભ્યોએ પત્ર પર સહી કરી છે. જોકે આ પત્રમાં કેપ્ટન સામે સીધી રીતે કશું કહેવાયુ નથી પણ તેમાં રાજ્ય સરકાર દ્વારા 18 મુદ્દાઓ પર કોઈ કામ નહીં થયુ હોવાનો આરોપ મુકયો છે.
જેના પગલે કોંગ્રેસે આજે પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં આગામી નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે, બેઠકમાં કેપ્ટન અને સિધ્ધુ વચ્ચે સમાધાન કરવા માટે પ્રયત્નો કરાશે. દિલ્હીના વરિષ્ઠ કોગ્રેસી નેતાઓ પંજાબ પહોંચી ચુકયા છે. જોકે કેટલાક સૂત્રોનુ કહેવુ છે કે, બેઠકમાં કેપ્ટન સીએમ અમરિન્દરસિંહનુ રાજીનામુ માંગવામાં આવી શકે છે.