પંજાબ સરકારમાં મુખ્ય મંત્રીની ખુરશીની ખેંચતાણ વચ્ચે કેબિનેટ વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબની ચરણજિતસિંહ ચન્ની સરકારની નવી કેબિનેટમાં સાત નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે.
અમરિંદરસિંહ સરકારના જે પાંચ મંત્રીઓ છે તેમની બાદબાકી કરવામાં આવી શકે છે
જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ સરકારના જે પાંચ મંત્રીઓ છે તેમની બાદબાકી કરવામાં આવી શકે છે. રાજ્યપાલને મળ્યા બાદ મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે રવિવારે સાંજે 4.30 કલાકે નવા મંત્રીઓની શપથવીધી કરવામાં આવશે.
જોકે રાજ્યપાલને ચન્ની મળ્યા તે પહેલા તેઓએ દિલ્હીમાં કોંગ્રેસ હાઇ કમાન્ડ સાથે પણ મુલાકાત કરી હતી જેમાં નવા મંત્રીઓના સમાવેશ અને જુના મંત્રીઓની બાદબાકી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમનો કેબિનેટમા ંસમાવેશ કરવામાં આવશે તેમાં પ્રગટસિંહ, રાજ કુમાર વેર્કા, ગુરકિરતસિંહ, સંગતસિંહ, અમરિંદરસિંહ રાજ, કુલજીત નાગરા, રાણા ગુરજિતસિંહના નામ ચર્ચામાં છે.
જાણો કોની બાદબાકી કરવામાં આવી શકે?
જ્યારે અમરિંદસિંહ કેબિનેટમાં જે લોકો મંત્રી હતા તે રાણા ગુરમિતસિંહ, સધુ સિંહ ધરમસોટ, બલબિરસિંહ સિધુ, ગુરપ્રીતસિંહ અને સુન્દર શામ અરોરા વગેરેની બાદબાકી કરવામાં આવશે. ચન્નીને કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડે હાજર રહેવા શુક્રવારે સમન્સ પાઠવ્યા હતા. આ મુલાકાત બાદ જ નવી કેબિનેટની જાહેરાત કરવામાં આવી હતી.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હાલ કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ બન્ને વચ્ચે મુખ્ય મંત્રીની ખુરશી માટે ખેંચતાણ ચાલી રહી છે. એવામાં કેન્દ્રીય હાઇ કમાન્ડે ચન્નીને મુખ્યમંત્રી બનાવીને સિદ્ધુ અને અમરિંદરસિંહના પાસા પલટી નાખ્યા હતા. જોકે હાલ કેબિનેટ વિસ્તરમાં આ બન્ને નેતાઓનું વર્ચસ્વ જોવા મળી શકે છે.