સસેક્સ તરફથી રમતા ચાર મેચમાં બે બેવડી સદી સહિત ચાર સેન્ચ્યુરી ફટકારી, ટેસ્ટ ટીમમાં પસંદગીકારો સામે હવે પૂજારાના સ્થાનને લઇ પડકાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયેલા ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રન બનાવવામાં વ્યસ્ત છે. તેની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે પૂજારા ભારતીય પસંદગીકારોને શરમાવે છે. શુક્રવારે રાત્રે સસેક્સ તરફથી રમાયેલી મેચમાં પૂજારાએ સતત ચોથી સદી ફટકારી હતી. આ ચાર સદીઓમાં બે બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ થર્ડ મેન પર મારી સિક્સર
ગયા વર્ષે વર્લ્ડ કપ 2021 દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ભારતીય બેટ્સમેનોની સામે શાનદાર બોલિંગ કરી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દિગ્ગજ ખેલાડીઓ શાહીનનો શિકાર બન્યા હતા. પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં શાહીન આફ્રિદી જ પૂજારાનો શિકાર બન્યો છે. પાકિસ્તાની બોલર આફ્રિદી ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં મિડલસેક્સ તરફથી રમે છે. ચેતેશ્વર પૂજારાએ આફ્રિદીની ઓવરને જોરદાર રીતે ફટકારી હતી.
શું પૂજારા વધુ એક બેવડી સદી પૂરી કરશે?
મિડલસેક્સ સામે ચાલી રહેલી ચાર દિવસીય મેચમાં ચેતેશ્વર પૂજારા ત્રીજા દિવસની રમતના અંત સુધી 149 બોલનો સામનો કરીને 125 રન બનાવીને રમી રહ્યો છે. તેણે પોતાની ઇનિંગમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. ચાહકોને આશા છે કે આ વખતે પણ તે છેલ્લી બે બેવડી સદીની જેમ ચોથા અને છેલ્લા દિવસની રમત દરમિયાન પોતાના 200 રન પૂરા કરશે.
રહાણે-પુજારાને એકસાથે પડતા મૂકવામાં આવ્યા હતા
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સમાપ્ત થયો ત્યારે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને એક સાથે ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આ બંને બેટ્સમેનોને રણજી ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા સ્પષ્ટ કહ્યું હતું. ત્યાર બાદ જ રાષ્ટ્રીય ટીમ વાપસી કરી શકશે.