ગુજરાતી ભાઇની $50,000 Mazda CX-9 કાર માત્ર 60 સેકન્ડ્સમાં જ ઠગ દંપત્તિ ચોરીને ભાગી છુટ્યું

ચેનલ નાઇનના શો અ કરંટ અફેર્સમાં મેલબોર્નમાં રહેતા ભાવેશ પટેલ સાથે ઘટનાનો એપિસોડ રજૂ કરવામાં આવ્યો. જેને લઇ ગુજરાતી પરિવારોમાં હાલ તો આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિક્ટોરિયા પોલીસને એક એવા ઠગ દંપત્તિની તલાશ છે જે ભાવેશ પટેલની કારને ફક્ત 60 મિનિટમાં જ ચોરીને ફરાર થઇ ગયું. શોપિંગ કરીને પરત હજુ તો ફર્યા જ હતાં ત્યાં ભાવેશ પટેલની કારને માત્ર 60 સેકન્ડ્સમાં જ ઠગ દંપત્તિ ચોરીને ભાગી છૂટ્યું હતું.

ભાવેશ પટેલ શોપિંગ બાદ પોતાના ક્રેનબોર્ન ઇસ્ટ ઘરે પત્ની અને દિકરા સાથે પરત ફર્યા હતા. તેમના પત્ની દિકરો સૂતો હોઇ તેને મૂકવા માટે ઘરમાં પરત ફર્યા હતા. જ્યારે ભાવેશ પટેલ ગેરેજમાંથી પાર્ક કરેલી ગાડીમાંથી એક પછી એક સામાન કાઢીને ઘરમાં મૂકી રહ્યા હતા. આ તમામ ઇવેન્ટ દરમિયાન ઘરની બહાર જ ઠગ દંપત્તિ તકનો લાભ લેવાની ફિરાકમાં હતું.

બપોરે 2.30 કલાકના સુમારે જ્યારે ભાવેશ પટેલને ઘરની બહાર આવતા થોડી વાર લાગી ત્યાં જ માત્ર 60 સેકન્ડ્સમાં જ ઠગ 50 હજાર ડોલરની માઝદા સીએક્સ-9 કારને લઇ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને તેમાં સ્પષ્ટ પણે બંને ચોરને જોઇ પણ શકાય છે જેમાં ટેટુ કરાવેલી મહિલા નજર પડે છે જ્યારે તેનો પાર્ટનર પણ તેની સાથે જ નજરે પડે છે. ભાવેશ પટેલ અને તેમનો પરિવાર ઘટનાથી ભયભીત છે. તેમણે એપિસોડ દરમિયાન જણાવ્યું હતું કે ભગવાનનો પાડ માનીએ છીએ કે સમગ્ર ઘટના દરમિયાન તેમનો પુત્ર કારમાં મોજુદ ન હતો. કારણ કે તેઓ સતત અમારી પર નજર રાખી રહ્યા હતા, કદાચ તેઓ વિસ્તારમાં પહેલેથી જ મોજુદ હોઇ શકે છે.

બે દિવસ બાદ કાર મળી ગઇ
વિક્ટોરિયા પોલીસને કાર 48 કલાક બાદ ભાવેશ પટેલના ઘરથી 3 કલાકના અંતરે આવેલા વિસ્તારમાં તરછોડી દેવામાં આવી હતી. ભાવેશ પટેલે કહ્યું કે બે વર્ષ પહેલા જ તેઓએ કારની ખરીદી કરી હતી અને હજુ પણ તેના પર લોનના હપ્તા ચાલુ છે. હવે અમને આશા છે કે જ્યારે હવે આ સ્ટોરી સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ આવી ચૂકી છે ત્યારે આ ચોર પકડાઇ જશે. અજાણ્યા શોખ્સોએ મહિલા આરોપીની ઓળખ કરી દીધી છે અને તે માહિતી પોલીસ સાથે શેર પણ કરવામાં આવી છે. આ તરફ કારમાં જ ચાવી મોજુદ હોવાને કારણે કાર ચોરી અંગેનો ઇન્સ્યોરન્સ ક્લેઇમ હજુ પાસ થયો નથી જોકે તેના પર ઝડપથી જ કોઇ નિર્ણય આવે તેવી શક્યતા છે.

GPS ટ્રેકર લગાવવાનો ટ્રેન્ડ વધ્યો
છેલ્લા ઘણાં સમયથી ઓસ્ટ્રેલિયાભરમાં કાર ચોરીના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે અને વીહીકલ સેફટી એક્સપર્ટ દાવો કરી રહ્યા છે કે GPS ટ્રેકર ઘણે અંશે મદદગાર સાબિત થઇ શકે છે જ્યારે તમારી કારની ચોરી થાય છે. કારણ કે આવા કિસ્સામાં પોલીસ અને કાર માલિકને GPS આસાનીથી ચોર સુધી પહોંચાડવામાં મદદ કરે છે.