રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીની ટકોર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યોને તેલની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી. કોરોના પર મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને ‘સહકારી સંઘવાદ’ની ભાવના હેઠળ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાની અપીલ કરી છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પીએમ મોદીએ એવા રાજ્યોને પણ ટાંક્યા, જેમણે તેલની કિંમતો પર વેટ ઘટાડ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં વધારા દરમિયાન વેટ ન ઘટાડનારા રાજ્યો અંગે પીએમ મોદીએ કહ્યું, ‘હું કોઈની ટીકા કરતો નથી, માત્ર ચર્ચા કરું છું.’
પીએમ મોદીએ કહ્યું, કેટલાક રાજ્યોએ (ઈંધણ પર વેટ ઘટાડવા વિશે) કોઇ ચર્ચાને ધ્યાને લીધી નથી. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બંગાળ, તમિલનાડુ, ઝારખંડ, કેરળએ કેટલાક કારણોસર તેની અવગણના કરી હતી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો નથી, આ લોકો સાથે અન્યાય છે.
પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનું કારણ યુક્રેન-રશિયા યુદ્ધને ગણાવ્યું છે. પીએમ મોદીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સામાન્ય લોકો દરરોજ CNG, PNG, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહ્યા છે. વિપક્ષ પણ આને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. કોઓપરેટિવ ફેડરલિઝ્મ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દેશે આ ભાવના સાથે કોરોના સાથે લાંબું યુદ્ધ લડ્યું છે અને આર્થિક મુદ્દાઓ અંગે પણ આ જ વલણ અપનાવવું જોઈએ. હાલ વિશ્વમાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે.