હીરાબેન મોદી 18 જૂને 100 વર્ષના થશે, વડનગરના હાટકેશ્વર મંદિરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવશે

જૂનમાં પીએમ મોદીની બીજી ગુજરાત મુલાકાત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 18 જૂનના રોજ ગાંધીનગરમાં તેમના માતા હીરાબેન મોદીના નિવાસસ્થાને તેમનો 100મો જન્મદિવસ (PM Modi mother birthday) ઉજવવા આવશે. આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવશે. જેમાં પીએમ પણ સામેલ થશે. આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મા કાલીનાં મંદિરે પણ ધ્વજારોહણ કરશે.
અગાઉ 11 માર્ચે પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા ત્યારે અમદાવાદમાં તેમની માતાને મળ્યા હતા. કોવિડ-19 રોગચાળાને કારણે પીએમ નરેન્દ્ર મોદી બે વર્ષના અંતરાલ પછી તેમની માતાને મળ્યા હતા. આ ઉપરાંત 18મી જૂને તેમની વડોદરા મુલાકાત દરમિયાન પીએમ મોદી લગભગ 4 લાખ લોકોને સંબોધન પણ કરવાના છે, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સામેલ હશે. સરદાર એસ્ટેટ પાસે આવેલી લેપ્રસી હોસ્પિટલમાં આ કાર્યક્રમ યોજાશે.
જૂનમાં પીએમ મોદીની બીજી ગુજરાત મુલાકાત
આ મહિનામાં પીએમ મોદીની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. આ પહેલા 10 જૂનના રોજ, તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે નવસારીના આદિવાસી વિસ્તારમાં રૂ. 3,050 કરોડના મૂલ્યના 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ વિસ્તારમાં પાણી પુરવઠામાં સુધારો કરવાના હેતુથી 14 થી વધુ અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
કાર્યક્રમને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી
18મી જૂને યોજાનારી પીએમ મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને આનુષંગિક સુવિધાઓ પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે.