વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. કોન્ફરન્સની 10મી આવૃત્તિનું 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે.

આ વર્ષની કોન્ફરન્સની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે, કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9.45 કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લેશે.
હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે વિવિધ દેશોના પ્રમુખો અને કંપનીઓના ટોચના મહાનુભાવો હાલ ગાંધીનગરમાં છે. મહત્વનુ છે કે કોરોના મહામારી બાદ ગુજરાતમાં પ્રથમવાર વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયુ છે.
છેલ્લે વર્ષ 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ હતી, ત્યારબાદ કોરોના મહામારીના કારણે વર્ષ 2022માં વાઇબ્રન્ટ સમિટનું આયોજન મૌકૂફ રાખવામાં આવ્યું હતું. અલબત્ત વર્ષ 2022થી 2024 દરમિયાન છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 23 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા છે. જે ઔદ્યોગિક વિકાસ અને રોકાણમાં ગુજરાતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
આપને જણાવી દઈએ કે તા.1 ફેબ્રુઆરી, 2022થી તા.3 જાન્યુઆરી, 2024 સુધીના છેલ્લા બે વર્ષમાં દેશ – વિદેશની કંપનીઓ સાથે ગુજરાત સરકારે 23,72,031.74 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી મહાત્મા મંદિરે આજે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે, ત્યારબાદ 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે

બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે

પ્રધાનમંત્રી મોદી.ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા રવાના થશે.  
5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ  જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે. 

દરમિયાન ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજના બીજા દિવસે આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલા આવી પહોંચ્યા હતા જેઓનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું,બાદમાં રોડ માર્ગે તેઓ ગાંધીનગર રવાના થયા હતા.