વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ₹ 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું.

બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “મોદીજીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે.

સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે.

મોદીજીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે”, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તીકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે.

મોદીજીએ ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય.

આજે ગુજરાતમાં સવા લાખ કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે, જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીને પરાસ્ત કરી ગરીબીમાંથી બહાર આવ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં 2 કરોડ નવાં ઘરો બનાવવાની જાહેરાત કરી છે.

પહેલાં ગરીબ આવાસ યોજનાના રૂપિયા ગરીબો સુધી પહોંચતા નહોતા. પરંતુ આજે તમામ રકમ લાભાર્થીના ખાતામાં સીધી જમા થાય છે અને લોકો ખુશી ખુશી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે.

અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની યોજના વિશે વાત કરી તેમણે કહ્યું કે ગુજરાતે કૃષિ વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે અંબાજીમાં થઈ રહેલાં વિકાસકાર્યોથી આગામી સમયમાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. તેમજ અંબાજી-તારંગા રેલવે લાઇન બનતાં સમગ્ર વિસ્તારને ખૂબ ફાયદો થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે, તે ખુશીની વાત છે. લાખો પરિવારો પોતાનો ગૃહપ્રવેશ ઊજવી રહ્યા છે. આ એક ઐતિહાસિક ઘટનાના પ્રેરણાસ્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ અયોધ્યા મહોત્સવને યાદ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, નવો ઇતિહાસ રચ્યો અને દેશને વિશ્વપ્રતિષ્ઠા પણ અપાવી છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામરાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે, એટલું જ નહિ તુલસીદાસજીની ‘નિર્બલ કે બલ રામ’ની ઉક્તિને સાકાર કરવાનું કામ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સરકાર દેશના ગરીબ, વંચિત લોકો સુધી આવાસ, આહાર અને આરોગ્યની ચિંતા કરીને દેશમાં સાચા અર્થમાં સુરાજ્ય સ્થાપવાનું કામ કરી રહી છે. કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે 2 કરોડ જેટલા નવા આવાસો ઊભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં આવાસ નિર્માણની વાત કરતા મુખ્યમંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર મહિલા, ગરીબ, અન્નદાતા એવા ખેડૂતો અને યુવાનોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે.

આપણે અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે. ગુજરાતે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે.

રાજ્યમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની કાર્યસંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે.

રામરાજ્યની સંકલ્પના સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસવાસીઓ માટે ગૌરવનો દિવસ છે.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાખો ગરીબ લોકોના આવાસનું ઈ-લોકાર્પણ બનાસની ધરતી પરથી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનેક પ્રજાલક્ષી યોજનાનો લાભ આજે નાગરિકોને મળી રહ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ગરીબ લોકો ઝૂંપડામાંથી પાકા મકાનમાં રહેતા થયા છે. જેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ છે.

અધ્યક્ષએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગરીબ લોકોના પાકા મકાનનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને કારણે સાકાર થઈ રહ્યું છે. જેના કારણે સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ હંમેશાં બનાસની ધરતી માટે રહ્યા છે. નર્મદાના પાણીથી લઈ અનેક લાભો વડાપ્રધાનશ્રીએ બનાસની ધરતીને આપ્યા છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે.

તાજેતરમાં જ કરમાવત તળાવમાં પાણી માટેની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે, જે બનાસ માટે આપેલી નવી મોટી ભેટ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી જિલ્લાના નાના ખીજડિયા, રાજકોટ, વાપી તથા બનાસકાંઠા જિલ્લાના કુંભારીયા અને જલોત્રા ગામના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો હતો.

લાભાર્થીઓએ પોતાના સપનાનું ઘરનું ઘર મેળવ્યા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત લાભાર્થીએ પોતાનું ઘર મેળવવાથી તેમના જીવનનિર્વાહમાં આવેલાં પરિવર્તન વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોએ સરકારની વિવિધ યોજનાકીય સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરીને વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેલ્ફી વિથ મોદીજી’ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના 2,95,000 જેટલા લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા લખેલા પોસ્ટકાર્ડ જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો કેશાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, રાજકીય અગ્રણી જયંતીભાઈ કવાડિયા, મુખ્ય સચિવ રાજ કુમાર, ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મનીષા ચંદ્રા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સચિવ આર.જી. ગોહિલ, કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ હાજર રહયા હતા.