એડિલેડ, ઓસ્ટ્રેલિયા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે દેશભરમાં ‘સેવા પખવાડિયા’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉજવણીના ભાગરૂપે દેશ અને દુનિયાભરમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન થઈ રહ્યું છે. ઓવરસીઝ બીજેપીના સાઉથ ઓસ્ટ્રેલિયા ચેપ્ટર દ્વારા પણ વડાપ્રધાનના જન્મદિવસને જનસેવાના રૂપમાં ઉજવવા માટે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

14મી સપ્ટેમ્બરે મોડબરીના લાઇફ બ્લડ ડોનર સેન્ટર ખાતે યોજાયેલી આ શિબિરમાં 20થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પ્રભુજી, નિશરીનબેન, ચિરાગ ચૌધરી, રાજીવભાઈ, ધીરજભાઈ, ઝુલ્ફીકારભાઈ, દિપેશભાઈ, સૌરભભાઈ, નિગમભાઈ, ઇમરામભાઈ, ચેતનભાઈ, યશભાઈ અને અન્ય સભ્યોએ રક્તદાન કરી આ પહેલમાં સહયોગ આપ્યો હતો. આ શિબિરમાં કુલ 12 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસને આપવામાં આવ્યું છે. હજુ પણ પાંચ બોટલ લોહી એકત્ર કરવામાં આવશે તેવું સેન્ટરને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.

ભારતમાં પણ ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, પાણી બચાવો અભિયાન અને અન્ય સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના જન્મદિવસને દેશ અને વિદેશમાં સેવા અને સમર્પણના દિવસ તરીકે ઉજવવાની આ પહેલ ભારતીય સમુદાયમાં સેવા ભાવનાને વધુ મજબૂત બનાવે છે.