ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે રામસેતુની મુલાકાતે છે.
આવતી કાલે તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેઓ યજમાન તરીકે પૂજા કરનાર હોય અનુષ્ઠાન સહિત વ્રતના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
તેઓ આજે દક્ષિણ ભારતના મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી રહયા છે. આજે તા.21 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી તે સ્થાન પર જશે જ્યાં ભગવાને લંકા જવા માટે રામ સેતુ નું નિર્માણ કર્યું હતું.

પીએમ મોદી આજે સવારે લગભગ 9.30 વાગે અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લેશે, જ્યાં રામ સેતુનું નિર્માણ થયું હતું આ પછી, સવારે 10:15 વાગ્યે તેઓ શ્રી કોઠંડારામ સ્વામી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. કોઠંડારામ નામનો અર્થ ધનુષ સાથેના રામ છે,તે ધનુષકોડીમાં આવેલું છે.
ધનુષકોડી વિશે એવું કહેવામાં આવે છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.
દરમિયાન ગઈકાલે શનિવારે (20 જાન્યુઆરીના રોજ PM મોદીએ ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી હતી.
એવું કહેવાય છે કે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમ દ્વીપમાં સ્થિત શિવ મંદિરનો રામાયણ સાથે સંબંધ છે, કારણ કે આ સ્થાન પર શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. આ પછી શ્રી રામે માતા સીતા સાથે પ્રાર્થના કરી. પીએમ મોદી રંગનાથનસ્વામી મંદિરની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે.