આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે

ગાંધીનગર, 4 જાન્યુઆરી: ગિફ્ટ સિટી ખાતે મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સીઇઓ તપન રાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગુજરાત સરકારના સહયોગથી ગિફ્ટ સિટી 10 જાન્યુઆરી, 2024ના રોજ ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ અને 11 જાન્યુઆરી, 2024ના રોજ ‘ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર એક સેમિનારનું આયોજન કરી રહ્યું છે.

આ બંને કાર્યક્રમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન યોજાશે, જેમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ ગિફ્ટ સિટી ક્લબ ખાતે અને ગિફ્ટ સિટી પર સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્ય કન્વેન્શન હોલમાં યોજાશે.

10 જાન્યુઆરીના રોજ આયોજિત ‘ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ’ અંગેની વિગતો જણાવતા તપન રાયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક કંપનીઓના લીડરો સાથે વાતચીત કરશે, જેમાં દરેક પ્રતિનિધિ તેમના ભાવિ પ્રોજેક્ટ માટે સંક્ષિપ્તમાં પ્રોસ્પેક્ટસ શેર કરશે.
ગૂગલ, IBM, એક્સેન્ચ્યોર, કેપજેમિનિ, NYSE ગ્રુપ, એમેઝોન પે, NASDAQ, સ્ટોનેક્સ, વેલ્સફાર્ગો અને સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ (S&P) સહિતની જાણીતી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 11મી જાન્યુઆરી 2024ના રોજ આયોજિત ‘ગિફ્ટ સિટી- એન ઇન્સ્પિરેશન ઑફ મોર્ડન ઇન્ડિયા’ સેમિનારને ઉદ્ઘાટન સત્ર અને પેનલ સત્રોમાં વિભાજિત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, ગુજરાત સરકારના માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઇ, ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયા અને IFSCAના ચેરમેન કે. રાજારમન સંબોધન કરશે.

મુખ્ય સંબોધન બાદ, ત્રણ પેનલ ચર્ચાઓ યોજાશે. ‘ડિઝાઇનિંગ ધ ફ્રેમવર્ક્સ ફોર ધ ફ્યુચર ઓફ ફાઇનાન્સ- રોલ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ’ ની થીમ પર યોજાનાર પેનલ ચર્ચાની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીએ, નવું જ સ્થાપિત થયેલું હોવા છતાં, ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં પસંદગીનું ગંતવ્ય બનવાની દિશામાં ખૂબ પ્રગતિ કરી છે. કરવેરા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વિવિધ સક્ષમ પરિબળોએ સુનિશ્ચિત કર્યું છે કે GIFT સિટી અન્ય આંતરરાષ્ટ્રીય અધિકારક્ષેત્રોની સમકક્ષ છે. ફાઇનાન્સના ભાવિ માટે ફ્રેમવર્ક ડિઝાઇન કરવા માટેની પેનલ દરમિયાન આની વધુ ચર્ચા કરવામાં આવશે.

‘ધ રાઇટ કનેક્ટ ઓફ ટેક એન્ડ ફિન- ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ગ્લોબલી’ વિષય પર પેનલ ચર્ચા ઇન્ફ્લુએન્સ (પ્રભાવ) ના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી વિશિષ્ટ વ્યક્તિઓ માટે એક મંચ તરીકે સેવા આપશે, જેઓ ટેક્નોલોજી કેવી રીતે આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઇ છે અને કેવી રીતે આપણા જીવનને અન્ય લોકો અને બિઝનેસીસ સાથે સમાન રીતે જોડે છે, તેના પર ચર્ચા-વિચારણા કરશે. આ પેનલ ચર્ચા ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ વગેરેમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં ગિફ્ટ સિટીની ભૂમિકાનું અન્વેષણ કરશે.

અન્ય એક પેનલ ચર્ચા ‘અર્બન રેઝિલિયન્સ: બિલ્ડીંગ સસ્ટેનેબલ એન્ડ ફ્યુચર-પ્રૂફ સિટી’ વિષય પર યોજાશે, જે આજના સમયમાં આપણા ગ્રહ પર મર્યાદિત અને ઘટી રહેલા સંસાધનો સાથે જીવન અને વ્યવસાયો માટે ટકાઉ અભિગમ અપનાવવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરશે.
તપન રાયે જણાવ્યું કે જ્યારે ભારતે ભવિષ્યની પેઢીઓ માટે આપણા પર્યાવરણને બચાવવા અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે વૈશ્વિક થોટ લીડર બનવાનું નક્કી કર્યું છે, ત્યારે એ મહત્વપૂર્ણ છે કે તેનો પુરાવો વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે.

સમાપન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે જેમ જેમ ભારત વૈશ્વિક મંચ પર ફાઇનાન્શિયલ પ્રોમિનન્સ (નાણાકીય અગ્રેસરતા)ના માર્ગે આગળ વધી રહ્યું છે, તેમ ગિફ્ટ સિટી ભારતને વૈશ્વિક ફાઇનાન્સના નકશા પર પ્રદર્શિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવીને વૈશ્વિક નાણાકીય બજારોમાં ભારતને વધુ સુલભ બનાવશે.

તેમણે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ પ્રભાવશાળી સત્રમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીને પ્રેસ કોન્ફરન્સનું સમાપન કર્યું હતું.