PM Modi in Kaziranga National Park : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે છે. આ પ્રસંગે પીએમ મોદી આજે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ હાથી પર સવાર થયા હતા. તમને જણાવી દઈએ કે PM શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે છે. પીએમ મોદી આજે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક (Kaziranga National Park) પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાથી પર સવારી સાથે જીપ સફારી પણ કરી હતી. પીએમ મોદી આજે સવારે લગભગ 5 વાગે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે, જેઓ કાઝીરંગામાં રાત્રિ આરામ કર્યા બાદ જંગલ સફારી પર પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે પીએમ શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતા, જ્યાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રે આરામ કર્યા બાદ આજે સવારે તેમણે કાઝીરંગાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી કાઝીરંગા પહોંચે તે પહેલા તમામ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પીએમ મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં લગભગ 2 કલાક રોકાયા હતા.

કાઝીરંગાની તેમની પ્રથમ મુલાકાત પર, પીએમ મોદીએ પહેલા પાર્કની સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથીની સવારી લીધી અને પછી તે જ રેન્જની અંદર જીપ સફારી પર ગયા હતા. પીએમની સાથે પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હતા.

પ્રધાનમંત્રી આસામના અહોમ સામ્રાજ્યના શાહી સેનાના પ્રખ્યાત સેનાપતિ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ કરશે, જેમણે મુઘલોને હરાવ્યા હતા. આ પ્રોજેક્ટમાં લચિત અને તાઈ-અહોમ મ્યુઝિયમનું નિર્માણ અને 500ની બેઠક ક્ષમતાવાળા ઓડિટોરિયમનો પણ સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ લચિત બોરફૂકનની બહાદુરીને યાદ કરવાનો અને તેના વારસા વિશે જાગૃતિ લાવવાનો છે. આનાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો ઊભી થશે તેવી અપેક્ષા છે.

વડા પ્રધાન પછી જોરહાટ જિલ્લાના મેલેંગ મેટેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્ય બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસ ક્ષેત્રને મજબૂત બનાવતી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (PM-DIVINE) યોજના હેઠળ શિવસાગરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને ગુવાહાટીમાં હેમેટો-લિમ્ફોઇડ સેન્ટર સહિતની પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ દિગ્બોઈ રિફાઈનરીની ક્ષમતા 0.65 થી 1 MMTPA (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) સુધી વિસ્તરણ સહિત તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત ગુવાહાટી રિફાઈનરીના વિસ્તરણની સાથે કેટાલિટીક રિફોર્મિંગ યુનિટ (CRU)ની સ્થાપના અને બેટકુચી (ગુવાહાટી) ટર્મિનલ પર સુવિધાઓમાં વધારો પણ આપવામાં આવશે. પીએમ જોરહાટમાં જનસભાને પણ સંબોધિત કરવાના છે.