પીએમ મોદીએ દરિયામાં રહેલી પૌરાણિક દ્વારકા નગરીની આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવ ગણાવ્યો

ગુજરાતના દ્વારકા ખાતેના સુદર્શન સેતુના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં ડૂબેલી નગરીનો આનંદ સ્કૂબા ડાઇવિંગ દ્વારા પ્રાપ્ત કર્યો હતો. દ્વારકાધિશના દર્શન કરીને પંચકુઈ વિસ્તાર પહોંચ્યા હતા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. સ્કૂબા ડાઈવિંગ દરમિયાન વડાપ્રધાન મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષોને જોયા હતા. પીએમ મોદી સાથે સ્કૂબા ડાઇવિંગ દરમિયાન ભારતીય નેવીના જવાનો સાથે રહ્યા હતા.

પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાના આનંદને વર્ણવતા કહ્યું હતું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.

ગત ચાર જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પર ગયા હતા જ્યાં પણ તેમણે સ્કુબા ડાઇવિંગ કર્યુ હતુ. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી.