પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની 99મી જન્મ જયંતિ અવસરે આજે સોમવારે PM નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને કહ્યું કે પૂર્વ વડાપ્રધાન જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારત માતા માટે તેમનું સમર્પણ અને સેવાની ભાવના અમરત્વમાં પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક નેતાઓએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે આખા દેશમાં સુશાસન દિવસના રૂપમાં ઉજવવામાં આવશે.
દેશભરમાં બીજેપીના મુખ્યાલયો પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રત્યેક બૂથ પર અટલજીના ચિત્ર પર પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા ઉપરાંત અટલ બિહારી વાજપેયી સાથે કામ કરી ચૂકેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ, અનુરાગ ઠાકુર અને અન્ય નેતાઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની 99મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

મહત્વનું છે કે 1924માં આ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપકોમાંના એક હતા. તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા. 1996માં તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 13 દિવસનો હતો. આ પછી તેઓ 1998માં ફરી વડાપ્રધાન બન્યા અને 13 મહિના સુધી આ પદ સંભાળ્યું. વર્ષ 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા, વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બન્યા હતા.
16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું નિધન થયું હતું