લાલ કિલ્લા પરથી પોતાના સૌથી લાંબા ભાષણમાં PM મોદીએ દેશના ભવિષ્યની રૂપરેખા આપી, સુરક્ષા, અર્થવ્યવસ્થા, અને સામાજિક સંતુલન જેવા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી ૧૦૩ મિનિટના તેમના સંબોધનમાં સુરક્ષા, અર્થવ્યવસ્થા, અને સામાજિક સંતુલન જેવા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. તેમણે ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત, સમૃદ્ધ અને સુરક્ષિત રાષ્ટ્ર બનાવવા માટેનું વિઝન રજૂ કર્યું.

GST માં કપાતની જાહેરાત
PM મોદીએ આગામી દિવાળી પર દેશવાસીઓને બેવડી ખુશી આપવાનું વચન આપ્યું. તેમણે જાહેરાત કરી કે સરકાર ટૂંક સમયમાં નવી GST સુધારણાઓ લાવશે, જેમાં વર્તમાન GST દરોની સમીક્ષા કરવામાં આવશે અને ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ સસ્તી થશે અને સામાન્ય નાગરિકોને સીધો લાભ મળશે.

રાષ્ટ્રની સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર મિશન’
રાષ્ટ્રીય સુરક્ષા પર ભાર મૂકતા, PM મોદીએ મહત્વાકાંક્ષી ‘સુદર્શન ચક્ર મિશન’ની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ મિશનનો હેતુ ૨૦૩૫ સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રથી પ્રેરિત એક સ્વદેશી આયર્ન ડોમ જેવી સુરક્ષા પ્રણાલી વિકસાવવાનો છે. આ પ્રણાલી આતંકવાદી હુમલાઓનો સામનો કરશે અને દેશના મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા કરશે. તેમણે ઉમેર્યું કે ‘ઓપરેશન સિંદૂર’ પહેલગામ હુમલા બાદ દેશના આક્રોશની અભિવ્યક્તિ હતી.

યુવાનો માટે રોજગાર
યુવાનોને ધ્યાનમાં રાખીને, PM મોદીએ ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ની જાહેરાત કરી, જેના માટે એક લાખ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ૩.૫ કરોડથી વધુ યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે અને ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર યુવાનોને સરકાર તરફથી ₹૧૫,૦૦૦નો સહાયક ભંડોળ મળશે.

સ્વદેશી જેટ એન્જિન અને ડેમોગ્રાફિક પર ચિંતા
વડાપ્રધાને સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકતા, દેશના વૈજ્ઞાનિકો અને યુવાનોને ભારત માટે સ્વદેશી જેટ એન્જિન વિકસાવવા માટે હાકલ કરી. તેમણે કહ્યું કે આપણે એવી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ જે ભારતના આત્મનિર્ભરતાને શક્તિ આપે.

આ ઉપરાંત, તેમણે દેશમાં બદલાતી જનસંખ્યા પેટર્ન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. તેમણે કહ્યું કે ઘૂસણખોરો દેશના નાગરિકોના હક છીનવી રહ્યા છે અને આને રોકવા માટે એક ‘હાઈપાવર ડેમોગ્રાફી મિશન’ ગઠિત કરવાની જાહેરાત કરી.

PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશનો કોઈ પણ ભાગ ઘૂસણખોરોને હવાલે કરવામાં આવશે નહીં અને સરહદીય વિસ્તારોમાં થતા જનસંખ્યાના ફેરફારોને ગંભીરતાથી લેવામાં આવશે.