વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિગ હબ ગણાતા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17 ડિસેમ્બરે સુરત આવી રહયા છે, ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટરના રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો થશે તે માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.


પીએમ મોદી જે રૂટ ઉપરથી પસાર થવાના છે તે રૂટને શણગારવામાં આવી રહ્યો છે અને રૂટના બંને તરફ
બેરીકેટ ઉભા કરી દેવામાં આવ્યા છે અને 10થી વધુ સ્વાગત પોઇન્ટ તૈયાર કરવામાં આવી રહયા છે આ રૂટ ઉપર પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે તે રીતે હાલમાં તૈયારી ચાલુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે.

સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણધીન ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બની રહેવાનું છે.
અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.