મુગલ મસ્જિદમાં જ નમાજ પઢવામાં આવતી હતી, જેના પર હાલ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ કેસમાં મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી
દિલ્હીમાં કુતુબ મિનારની મસ્જિદને લઈને વિવાદ વધી ગયો છે. અહીંની બે મસ્જિદો, કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ અને મુગલ મસ્જિદમાં આ મહિને મુઘલ મસ્જિદમાં નમાઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને અહીં પૂજાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બંને મસ્જિદોના કિસ્સા અલગ-અલગ છે, કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદમાં કોઈ નમાજ નથી થતી, માત્ર મુગલ મસ્જિદમાં જ નમાજ પઢવામાં આવતી હતી, જેના પર હાલ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આમ દેશમાં વધુ એક મંદીર મસ્જિદનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે.
કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ કેસમાં મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુતુબ મિનાર સંકુલની અંદર કુતુબદ્દીન એબક દ્વારા 27 મંદિરોને નષ્ટ કરીને કુવ્વત-ઉલ-ઇસ્લામની સ્થાપના કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ મસ્જિદ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડીને બનાવવામાં આવી છે, તેથી અમને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ. સાથે જ હિંદુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે કોઈ મંદિર બનાવવા માંગતા નથી, પરંતુ માત્ર ત્યાં પૂજા કરવાનો અધિકાર ઈચ્છીએ છીએ.