હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી
ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને જામીન આપ્યા હતા. આ કેસમાં પટેલને રાહત આપતા સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલ અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ઠેરવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
હાઈકોર્ટમાં કરી હતી અરજી
જે બાદ હાર્દિક પટેલે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.