અમેરિકાના સાઉથવેસ્ટ એરલાઇન્સનું સુરક્ષિત લેન્ડિંગ થતા હાશકારો

American Airlines Soutwest Airlines, Passenger safely lands Plane, Pilot health condition,

એક પેસેન્જર પ્લેન હવામાં ઉડી રહ્યું હતું અને અચાનક જ તેના પાયલોટની તબિયત લથડી હતી. હાલત એ સ્તરે બગડી કે તેને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી માટે કોકપીટમાંથી બહાર કાઢવો પડ્યો હતો. આ દરમિયાન પ્લેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે આગળ આવવું પડ્યું અને સદનસીબે તેણે કો-પાયલટને વિમાન ચલાવવામાં મદદ કરી હતી. જેને પગલે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.

સીએનએનના અહેવાલ મુજબ, સાઉથવેસ્ટ એરલાઈન્સના એક વિમાને લાસ વેગાસથી કોલંબસ, ઓહાયો માટે ઉડાન ભરી હતી. વિમાનના ટેકઓફના થોડા સમય બાદ પાયલટની તબિયત અચાનક બગડી હતી. તબીબી કટોકટીની સ્થિતિમાં, પ્લેનને લાસ વેગાસમાં પાછા ઉતરવાનું કહેવામાં આવ્યું હતું.

ગભરાટ ફેલાય તે પહેલા વિમાનમાં સવાર એક મુસાફર વિમાનને સંભાળવા આગળ આવ્યો. સદનસીબે તે પ્રોફેશનલ પાયલટ હતો અને અન્ય એરલાઈન કંપનીમાં કામ કરતો હતો. તેણે કોકપીટમાં આવીને એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. તે જ સમયે, એરક્રાફ્ટના કો-પાયલોટે ફ્લાઇટ પર નિયંત્રણ મેળવી લીધું હતું. થોડા સમય પછી, ફ્લાઈટ 6013ને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સિંહફાળો અદા કર્યો હતો.

ગયા બુધવારે બનેલી ઘટના અંગે સાઉથવેસ્ટ એરલાઈન્સના પ્રવક્તા ક્રિસ પેરીએ જણાવ્યું હતું કે અન્ય એરલાઈન્સનો પાયલટ ફ્લાઇટના ડેકમાં ઘુસી ગયો હતો અને રેડિયો કોમ્યુનિકેશનમાં અમને મદદ કરી હતી, જ્યારે અમારા સાઉથવેસ્ટ પાઈલટે પ્લેન ઉડાડ્યું હતું.

1 કલાક 17 મિનિટ સુધી પ્લેને ચક્કર માર્યા, પ્લેનમાં સવાર નર્સે કરી પાયલટની સારવાર
વિમાન લગભગ 1 કલાક 17 મિનિટ સુધી હવામાં રહ્યું. આ દરમિયાન એક મહિલા પેસેન્જરે બીમાર પાયલટની સારવાર કરી હતી. તે એક પ્રોફેશનલ નર્સ હતી. લેન્ડિંગ બાદ પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

…જ્યારે એક અજાણી વ્યક્તિએ પ્લેન ઉડાડ્યું
ઉલ્લેખનીય છે કે, આવો જ એક કિસ્સો ગયા વર્ષે મે મહિનામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના ફ્લોરિડામાં એર ટ્રાફિક કંટ્રોલર્સની મદદથી એક મુસાફરે પ્લેનને લેન્ડ કરાવ્યું. વાસ્તવમાં ફ્લાઇટ દરમિયાન પાઇલટની તબિયત લથડી હતી. તે બેહોશ થઈ ગયો હતો, ત્યારબાદ પેસેન્જરે પ્લેનને કંટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તેને પ્લેન ઉડાવવાનો કોઈ અનુભવ નહોતો. પરંતુ તે સેસના કારવાં નામના પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો.