પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઈરાન દ્વારા થયેલી એર સ્ટ્રાઈક કાર્યવાહીને લઈને પાકિસ્તાન ઉશ્કેરાયું છે અને ઇરાનના તેહરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે અને ઈરાની રાજદૂતને ઈસ્લામાબાદમાંથી હાંકી કાઢ્યા છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ઈરાનના હુમલાને તેની એરસ્પેસનું ઉશ્કેરણી વગરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મહત્વનું છે કે તા.16 જાન્યુઆરીના રોજ મંગળવારે ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે પાકિસ્તાનમાં આતંકવાદી લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.
ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કુહે સબઝ નામના વિસ્તારમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધા હતા,ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈરાનનો આ હુમલો ગત મહિને દક્ષિણ પૂર્વ વિસ્તાર સિસ્તાન-બલૂચિસ્તાનમાં એક ઈરાની પોલીસ સ્ટેશન પર થયેલા ઘાતક હુમલાના જવાબમાં થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. ઈરાની મંત્રી અહમદ વાહિદીએ જૈશ અલ-અદલને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા.
આ ઘટના બાદ પાકિસ્તાને ઈરાન માંથી પોતાના રાજદૂતને પાકિસ્તાન પરત બોલાવી લીધા છે અને પાકિસ્તાન સ્થિત ઇરાનના રાજદૂતને કાઢી મુક્યા છે.