ભારતીય નાગરિકોનું શોષણ; ₹158,000 થી વધુના પગારની અવેજીમાં ચૂકવણી, Super Clearance નામથી વેપાર કરનારા Dev Trading Limited (DTL)ને દંડ ફટકારાયો

દંડ ફટકારવામાં આવે તે પહેલા જ પીડિતોને NZD $140,000 ચૂકવી દેવામાં આવ્યા

ન્યૂઝીલેન્ડના Paeroa સ્થિત એક બિઝનેસ, Dev Trading Limited (DTL), જે Super Clearance નામથી વેપાર કરે છે, તેને સ્થળાંતરિત કામદારોનું શોષણ કરવા અને ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ (INZ) ને ખોટી માહિતી આપવાના ગુનામાં દોષ કબૂલ્યા બાદ NZD $159,250 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત, કંપનીને કોર્ટના આદેશ મુજબ પીડિતોને NZD $18,684.72 નું વળતર (reparation) અને દરેક પીડિતને ભાવનાત્મક નુકસાન (emotional harm) પેટે NZD $5,000 ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કંપનીના ડિરેક્ટર્સ, ચેતના દવે અને તેમના પતિ હિતેશ દવેએ માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા યોજના હેઠળ બે ભારતીય નાગરિકોની ભરતી કરી હતી.

લેબર ઇન્સ્પેક્ટરની ગણતરી મુજબ, NZD $158,000 થી વધુનો પગાર અને હક બાકી હતા, જેમાંથી દંડની સજા થાય તે પહેલાં પીડિતોને NZD $140,000 ચૂકવી દેવામાં આવ્યા હતા.

નેશનલ મેનેજર ઇન્વેસ્ટિગેશન્સ, જેસન પેરીએ જણાવ્યું: “આ INZ માટે અને સૌથી અગત્યનું, પીડિતો માટે એક સારું પરિણામ છે. તેમને નોંધપાત્ર વળતર અને ભાવનાત્મક નુકસાન પેટે ચૂકવણી મળી છે. આ કેસ ભારપૂર્વક જણાવે છે કે ન્યૂઝીલેન્ડમાં શોષણ સહન કરવામાં આવશે નહીં.”

કાયદાનું ગંભીર ઉલ્લંઘન

કંપનીના ડિરેક્ટર્સ, ચેતના દવે અને તેમના પતિ હિતેશ દવે, Accredited Employer Work Visa (AEWV) સ્કીમ હેઠળ બે ભારતીય નાગરિકોની ભરતી કરી હતી અને તેમને ગેરકાયદેસર રોજગાર પદ્ધતિઓનો ભોગ બનાવ્યા હતા.

કંપની વિરુદ્ધ નોંધાયેલા મુખ્ય આરોપો:

  • શોષણના 5 આરોપો: મિનિમમ વેજ એક્ટ 1983, હોલિડેઝ એક્ટ 2003, અને વેજીસ પ્રોટેક્શન એક્ટ 1983નું ગંભીર ઉલ્લંઘન.
  • ખોટી માહિતી આપવાના 2 આરોપો: INZની તપાસ દરમિયાન અને એમ્પ્લોયર એસોસિએશનનું નવીકરણ કરાવતી વખતે ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી પૂરી પાડવી.

તપાસમાં જાણવા મળ્યું કે કામદારોને નિયમિતપણે અત્યંત લાંબા કલાકો સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં, તેમને સપ્તાહમાં 7 દિવસ, દિવસના 14 કલાક સુધી કામ કરવું પડતું હતું, જેમાં જાહેર રજાઓ પર પણ કામ કરાવવામાં આવતું હતું – આ બધા માટે તેમને કાયદેસરના હક અને રજાઓનું વેતન ચૂકવાયું નહોતું. એક કામદારને ગેરકાયદેસર રીતે NZD $6,000 થી વધુની રકમ ‘લોન રિપેમેન્ટ’ના નામે કાપી લેવામાં આવી હતી.

સત્તાવાળાઓને છેતરવાના પ્રયાસો

DTL એ સત્તાવાળાઓને છેતરવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા.

  • તેમણે INZને ખોટા રેકોર્ડ્સ અને દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં બનાવટી રોસ્ટર અને પગાર સ્લિપનો સમાવેશ થતો હતો.
  • કંપનીએ કામદારો વતી ઇમિગ્રેશનના એમ્પ્લોયમેન્ટ મોડ્યુલ્સ પણ પૂર્ણ કર્યા હતા. આ કરીને પીડિતોને ન્યૂઝીલેન્ડના કાયદા અને તેમના રોજગારના અધિકારો વિશે શીખવાની તકથી વંચિત રાખવામાં આવ્યા હતા.

Ministry of Business, Immigration and Employment (MBIE)ના ઇમિગ્રેશન ઇન્વેસ્ટિગેટર્સ લાંબી અને વિગતવાર તપાસ બાદ આ છેતરપિંડીનો પર્દાફાશ કરી શક્યા અને ગુનેગારોને કોર્ટમાં જવાબદાર ઠેરવ્યા.

માઇગ્રન્ટ વર્કર્સના શોષણની જાણ કરવા માટે, MBIE નો સંપર્ક 0800 200 088 પર કરો અથવા ક્રાઇમસ્ટોપર્સ દ્વારા અનામી રૂપે 0800 555 111 પર રિપોર્ટ કરો.