પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અકસ્માતનો શિકાર બન્યા છે. તૃણમૂલ કોંગ્રેસે મમતા બેનર્જીનો ફોટો જાહેર કરતા આ જાણકારી આપી છે. ટીએમસીએ ટ્વીટ કરીને લખ્યું, અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટામાં મમતા બેનર્જી હોસ્પિટલમાં બેડ પર સુતેલા જોવા મળે છે અને તેમના કપાળમાંથી લોહી નીકળી રહ્યું છે. સીએમ મમતા બેનર્જીની કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને SSKM હોસ્પિટલના વુડબર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
મમતા બેનર્જીની ઈજાની માહિતી મળતાં જ ટીએમસીના નેતાઓ અને કાર્યકરો હોસ્પિટલ પહોંચવા લાગ્યા છે.
તૃણમૂલ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી કાલીઘાટ હાઉસિંગ કોમ્પ્લેક્સ ખાતે ટહેલતા હતા તે વખતે તેઓ કોઈક રીતે પડી જતા તેઓને કપાળ પર ઈજા થઈ અને લોહી વહેવા લાગતા પ્રથમ ઘરની અંદર લઈ જવામાં આવ્યા અને બાદમાં તાત્કાલિક SSKM હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.