થીયેટરમાં સફળતા મેળવ્યા બાદ હવે ‘ધ લાસ્ટ શૉ’ NetFlix OTT પર 25 નવેમ્બરે થશે રિલીઝ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ શૉ’ને આ વર્ષે ઓસ્કાર માટે સત્તાવાર રીતે મોકલવામાં આવી છે. 95મા ઓસ્કાર માટે મોકલવામાં આવી ત્યારથી આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. થીયેટરમાં સફળતા મેળવ્યા બાદ હજુ જે લોકો ફિલ્મ જોવાથી વંચિત રહી ગયા હોય તેમના માટે સારા સમાચાર છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. 25 નવેમ્બરથી Netflixના યુઝર્સ આ ફિલ્મને સ્ટ્રીમ કરી શકશે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ આ વર્ષે 14 ઓક્ટોબરે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દિગ્દર્શક પાન નલિનના બાળપણના સંસ્મરણો પર આધારિત આ ફિલ્મે બધાને પ્રભાવિત કર્યા છે. તેનું લેખન પણ પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નવ વર્ષના છોકરાની વાર્તા કહે છે. તે તેના 35mm સપનાની શોધમાં આકાશ અને અંડરવર્લ્ડને એક કરે છે અને તેને ખબર નથી કે તેને કઈ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.

Netflix રિલીઝ અંગે પાન નલિને શું કહ્યું ?
ડિરેક્ટર પાન નલિને કહ્યું કે તેઓ નેટફ્લિક્સ સાથે સહયોગ કરીને ખુશ છે. તેમણે કહ્યું કે આનાથી ફિલ્મને વધુ દર્શકો સુધી લઈ જવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને હાલમાં જ લોસ એન્જલસમાં આયોજિત એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ જૂનમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી.

ફિલ્મમાં કોણ કોણ છે?
નલિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ભાવિન રબારીએ સમય નામનું પાત્ર ભજવ્યું છે. તેમના સિવાય ભાવેશ શ્રીમાળીએ ફઝલનું પાત્ર ભજવ્યું છે, રિચા મીનાએ બા એટલે કે સમયની માતાનું પાત્ર ભજવ્યું છે, દીપેન રાવલે બાપુજી એટલે કે સમયના પિતાનું પાત્ર ભજવ્યું છે અને પરેશ મહેતાએ સિનેમા મેનેજરની ભૂમિકા ભજવી છે.