WTC ફાઇનલ મેચમાં રહાણેએ 89 રનની ઇનિંગ્સ રમીને કરિયરના 5 હજાર રન પણ પૂરા કર્યા

અમિત શાહ, નમસ્કાર ગુજરાત ન્યુઝ. ધ ઓવલ, લંડન

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જયારે મુશ્કેલીમાં મુકાઇ ત્યારે અજિંક્ય રહાણેએ 89 રનની ઈનિંગ રમી ભારતને સન્માનજનક જુમલે પહોંચાડ્યું હતું, જેના કારણે તોતિંગ લીડથી બચી શક્યું હતું. લગભગ 18 મહિના પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર આ ખેલાડી વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે દોઢ વર્ષ પહેલા રહાણેને ભારતીય ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવનાર હતી. પરંતુ સતત ખરાબ ફોર્મના કારણે અજિંક્ય રહાણેને સુકાનીપદેથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને ટેસ્ટ ટીમથી દૂર કરાયો હતો.

યુએઈમાં રમાયેલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કપ્તાની વિરાટ કોહલી પાસેથી છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી હતી. રોહિતને માત્ર ODI અને T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પસંદગીકારો વિચારી રહ્યા હતા કે ટેસ્ટ મેચની કેપ્ટન્સી કોઈને સોંપવી કે કેમ. આવી સ્થિતિમાં, જો અજિંક્ય રહાણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં 2થી વધુ સદી ફટકારી શક્યો હોત તો પસંદગીકારોએ તેના માથા પર ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેનો તાજ પહેરાવ્યો હોત. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું. રહાણે સતત નિષ્ફળ રહ્યો અને તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

અજિંક્ય રહાણે, જે તેની શૈલીયુક્ત અને ટેકનિકલ બેટિંગ માટે જાણીતો છે, તે તેની સ્થાનિક મુંબઈ ટીમ સાથે રણજી ટ્રોફી રમતા જોવા મળ્યો હતો. માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ કેપ્ટનની ભૂમિકા સ્વીકારીને રહાણેએ અનેક સદીઓ ફટકારીને પોતાની ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સ્પર્ધામાં તેના સારા પ્રદર્શનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષની IPL સિઝનમાં રહાણે પર દાવ લગાવ્યો હતો. લગભગ અઢી મહિના સુધી ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે સમય વિતાવ્યા બાદ રહાણેની માનસિકતા બદલાઈ ગઈ અને તે બદલાવ તેની બેટિંગમાં પણ જોવા મળ્યો. રહાણે જૂની સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આઈપીએલની આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ રહ્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની મિડલ ઓર્ડર બેટિંગને મજબૂત બનાવવા માટે કેપ્ટન રોહિત શર્માએ અન્ય ખેલાડીઓની સરખામણીમાં અજિંક્ય રહાણે પર દાવ લગાવવો યોગ્ય માન્યો હતો. કેપ્ટન અને પસંદગીકારોને સંપૂર્ણ ન્યાય આપતાં, ઓવલ ટેસ્ટના બીજા અને ત્રીજા દિવસે રહાણેએ જે ઇનિંગ્સ રમી, તેણે ટીમ ઇન્ડિયાની શરમ કેટલેક હદે પરત કરી.

અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, તે સદી પૂરી કરવાથી ચૂકી ગયો હતો. અજિંક્ય રહાણે 129 બોલમાં 89 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય અજિંક્ય રહાણેએ વધુ એક મોટો આંકડો પાર કર્યો છે. ખરેખર, આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો છે.