લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટે 2010 પછી મમતા સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે.

આ નિર્ણયમાં, હાઈકોર્ટે એપ્રિલ 2010 થી સપ્ટેમ્બર 2010 સુધી OBC હેઠળ 77 કેટેગરીમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ અને 2012ના કાયદા હેઠળ તેમના માટે બનાવવામાં આવેલ 37 શ્રેણીઓને રદ કરી છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટ દ્વારા આજે આપવામાં આવેલા નિર્ણયના આજના દિવસથી જ આ અમલમાં આવશે જેથી હવેથી રદ થયેલા પ્રમાણપત્રોનો ઉપયોગ રોજગારની કોઈપણ પ્રક્રિયામાં કરી શકાશે નહીં,આ પ્રમાણપત્રો રદ બાતલ થયેલા ગણાશે.
કોર્ટના આ નિર્ણય બાદ લગભગ પાંચ લાખ OBC પ્રમાણપત્રો અમાન્ય થઈ જશે.

સાથે સાથે જસ્ટિસ તપોન્નત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથાની બેન્ચે એમ પણ કહ્યું હતું કે જે ઉમેદવારોને આ પ્રમાણપત્રો દ્વારા અગાઉ તક મળી ચૂકી છે તેઓને આ નિર્ણયથી કોઈ અસર થશે નહીં. 

બેન્ચે ચુકાદામાં તૃણમૂલ સરકારનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

યોગાનુયોગ 2011થી રાજ્યમાં તૃણમૂલ સત્તામાં છે, તેથી, કોર્ટનો આદેશ તૃણમૂલ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા OBC પ્રમાણપત્રો પર જ અસરકારક રહેશે.

હાઈકોર્ટનો આદેશ 2012ના કેસમાં આવ્યો હતો,બેંચે કહ્યું કે 2010 પછી બનેલા તમામ OBC પ્રમાણપત્રો કાયદા મુજબ નથી.

અન્ય પછાત વર્ગમાં કોણ હશે તે વિધાનસભાએ નક્કી કરવાનું છે. બંગાળ પછાત વર્ગ કલ્યાણ આયોગ ઓબીસીની યાદી નક્કી કરશે.
યાદી વિધાનસભાને મોકલવાની રહેશે. જેમના નામ વિધાનસભા દ્વારા મંજૂર કરવામાં આવશે તેમને ભવિષ્યમાં ઓબીસી ગણવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યું કે આ જાતિઓને OBC જાહેર કરવા માટે વાસ્તવમાં ધર્મ જ એકમાત્ર માપદંડ છે.
અમે માનીએ છીએ કે મુસ્લિમોની 77 શ્રેણીઓને પછાત તરીકે પસંદ કરવી એ સમગ્ર મુસ્લિમ સમુદાયનું અપમાન છે.

અદાલતનું મન એ શંકાથી મુક્ત નથી કે આ સમુદાયને રાજકીય હેતુઓ માટે એક વસ્તુ તરીકે ગણવામાં આવે છે. ઓબીસીમાં 77 કેટેગરીના સમાવેશ અને તેમના સમાવેશની શ્રેણી સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને વોટ બેંક તરીકે જોવામાં આવી રહી છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયના વર્ગોને ચૂંટણીમાં લાભ માટે ઓબીસી તરીકે માન્યતા આપવાથી તેઓ સંબંધિત રાજકીય સ્થાપનાની દયા પર રહેશે અને તેમને અન્ય અધિકારોથી વંચિત કરી શકે છે.
કોર્ટે કહ્યું કે તેથી આ પ્રકારની અનામત લોકશાહી અને સમગ્ર ભારતના બંધારણનું અપમાન છે.

હકીકતમાં, રાજ્યના અનામત અધિનિયમ 2012ની જોગવાઈઓને કોર્ટમાં પડકારવામાં આવી હતી.
આ અરજીઓ પર ગઈકાલે હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.
અરજદારો માટે હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે 2010 પછી પશ્ચિમ બંગાળમાં OBC હેઠળ સૂચિબદ્ધ વ્યક્તિઓની સંખ્યા અંદાજે પાંચ લાખથી વધુ છે.
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M) ની આગેવાની હેઠળનો ડાબો મોરચો મે 2011 સુધી પશ્ચિમ બંગાળમાં સત્તામાં હતો અને તે પછી તૃણમૂલ કોંગ્રેસની સરકાર સત્તામાં આવી. 

ખંડપીઠે 11 મે, 2012ના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પણ રદ કર્યો હતો, જેમાં અનેક પેટા-વિભાગોની રચના કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન તા.25 જૂને અને તા.1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ રીતે ચૂંટણીને આડે લગભગ એક સપ્તાહ બાકી છે ત્યારે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો નાબૂદ કરી દેતાં હાઈકોર્ટના આ નિર્ણયની અસર દેશના અન્ય રાજ્યો પર પણ પડી શકે છે.

હાઈકોર્ટે આ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવાના આધારને ગેરકાયદેસર જાહેર કરતો આ નિર્ણય સંભળાવ્યો હતો.
આ ૭૭ જાતિઓમાંથી ૪૨ જાતિઓને ૨૦૧૦માં તત્કાલીન ડાબેરી સરકાર દ્વારા ઓબીસીનો દરજ્જો અપાયો હતો,એ પછી મમતા બેનરજી સરકાર દરમિયાન બાકીની જાતિઓ ઉમેરવામાં આવી હતી