એક એવો NRI યુવાન કે જે ભારતમાં લોકોની સેવા કરવાના હેતુ સાથે બિહારમાં આવ્યો હતો અને પોતાના પૈસા રોકીને ચેરિટેબલ હોસ્પિટલ ખોલી ગરીબ લોકોને મફતમાં સારવાર કરવા માંગતો હતો પરંતુ તેની જે થયું તે તમે જાણીને ચોંકી જશો.
આ યુવાનને જે અનુભવ થયો તે ખૂબજ ખરાબ હતો અને જનસેવાનું સપનું પૂર્ણ ન થયું અને દેશના જ લોકોએ તેમની સાથે ગદ્દારી કરતા તેઓને ખૂબજ આઘાત લાગ્યો છે.

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા NRI પ્રશાંત ભદૌરિયા ભારતના બિહારમાં એક અદ્યતન ચેરિટેબલ હોસ્પિટલ ખોલી ગરીબોની મફતમાં સારવાર કરવા માંગતા હતા અને તે માટે બિહારમાં જમુઈ જિલ્લાના લક્ષ્મીપુરમાં જમીન ખરીદવા માંગતા હતા તેઓએ એક જમીન જોઈ પણ ખરી અને આ જમીન માટે રૂ.2 કરોડ 30 લાખ રૂપિયામાં સોદો પણ થયો અને બાના પેટે રૂ. 1 કરોડ 15 લાખ રૂપિયાની ચુકવણી પણ થઈ હતી. પરંતુ, જ્યારે જમીનનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું ત્યારે ખબર પડી કે તે જમીન પર હાઈકોર્ટનો સ્ટે હતો અને તે જમીન ખરીદી કે વેચી શકાય તેમજ ન હોવાનું સામે આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો.
બાદમાં મધ્યસ્થી કરનારા લોકોને વિનંતી કરી કે હું સેવા ભાવના સાથે આવ્યો હતો તેથી વિશ્વાસ કર્યો હતો પણ મારી સાથે આવુ કેમ કર્યું ? પ્લીઝ મને મારા પૈસા પાછા આપો મારે તે પૈસા સેવાયજ્ઞમાં વાપરવાના છે પણ તેઓ વાયદા કરતા રહયા.
પ્રશાંતે જણાવ્યું કે જમીનની રજિસ્ટ્રી માર્ચ 2023માં થવાની હતી, પરંતુ આ સમગ્ર મામલો ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો.

પ્રશાંતે કહ્યું કે લોકો માટે મેં સારું કરવાનું વિચાર્યું હતું, પણ તેઓએ મારી સાથે એવું કર્યું કે હવે મારુ મન અહીંથી ઉઠી ગયું.
મારા પૈસા પરત મેળવવા આ મામલે ડીએમ અને એસપીને પણ જાણ કરી હતી પણ હજુ મદદ મળી શકી નથી.

પ્રશાંતને પૈસા પરત નહિ મળતા અને ખૂબજ ખરાબ અનુભવ થતા હવે તે અહીંના લોકો માટે કંઈ કરવા માંગતો નથી અને મહિનાઓ સુધી અહી સમય અને પૈસા બરબાદ કર્યા બાદ હવે તે અમેરિકા પરત ફરશે.
તેની તા. 24 ડિસેમ્બરે અમેરિકા જવાની ફ્લાઈટ છે અને તે પાછા જવા માંગે છે,જોકે, પૈસા પાછા મળે તે માટે હજુ પણ પ્રયાસ ચાલુ રાખ્યા છે.

આમ,સેવાની ભાવના સાથે વતનમાં આવેલા એન આર આઈ સાથે બનેલી આ ઘટના ભારે ચર્ચામાં રહેવા પામી છે.