દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ભારે હંગામો મચ્યો છે ત્યારે આ બધા વચ્ચે EDએ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અને TMC નેતા ચંદ્રનાથ સિંહાના ઘર પર દરોડા પાડતા નેતાઓ ફફડી ઉઠ્યા હતા.
બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરમાં EDની ટીમે આ કાર્યવાહી કરી હતી.
અર્ધલશ્કરી દળના જવાનો સાથે EDના અધિકારીઓ દરોડા પાડવા પહોંચ્યા હતા.
સૈનિકોએ ચંદ્રનાથ સિંહાના ઠેકાણાઓને કોર્ડન કરી લીધા છે અને ED અધિકારીઓ અંદર તપાસ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંગાળના કરોડો રૂપિયાના સ્કૂલ ભરતી કૌભાંડ કેસમાં EDનો દરોડો પડ્યો હતો. EDએ આ મામલામાં બંગાળમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ચંદ્રનાથ સિંહાના ઘરનો પણ સમાવેશ થાય છે.
ચંદ્રનાથ સિંહા બંગાળની TMC સરકારમાં MSME અને કાપડ મંત્રી છે.

મમતા બેનર્જી સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને કાપડ મંત્રાલયનો હવાલો સંભાળતા સિંહા તે સમયે તેમના નિવાસસ્થાને નહોતા,તે લગભગ 90 કિમી દૂર મુરારાઈમાં તેના પૈતૃક ઘરે હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શાળા ભરતી કૌભાંડમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં મંત્રીના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું હતું.”
હાલમાં તે ઘરે હાજર નથી અને અમે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ.

અગાઉ, કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સિંહાને પશુ અને કોલસાની દાણચોરીના કેસમાં સમન્સ પાઠવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કથિત ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં ED લેક ટાઉન, ચેતલા અને બાલીગંજ સહિત કોલકાતાના વિવિધ ભાગોમાં કેટલાક વેપારીઓના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડી રહી છે.

અધિકારીએ કહ્યું, “તેઓ ભારતમાંથી અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે ભંડોળના ટ્રાન્સફરમાં મદદ કરી રહ્યા હોવાની શંકા છે.” અમે આ અંગે તેની પૂછપરછ કરી રહ્યા છીએ અને કેટલાક દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.