સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે પાકિસ્તાનને આતંકવાદ માટે જવાબદાર ઠેરવ્યું

ભારતે સ્પષ્ટ કર્યું કે તમામ મુદ્દાઓ માત્ર દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવામાં આવશે અને કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકારવામાં આવશે નહીં
India Slams Pakistan in UNGA : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (United Nations) પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના (Shehbaz Sharif) ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગહલોતે ‘રાઇટ ટુ રિપ્લાય’ (જવાબ આપવાના અધિકાર) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેર્યું હતું.
‘શાહબાઝે કર્યું આતંકવાદનું મહિમામંડન’
પેટલ ગહલોતે કહ્યું કે સવારે આ સભાએ પાકિસ્તાનના વડા પ્રધાનનું ભાષણ સાંભળ્યું, જેમાં તેમણે ફરી એકવાર આતંકવાદનું મહિમામંડન કર્યું, જે તેમની વિદેશ નીતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે યાદ અપાવ્યું કે 25 એપ્રિલ 2025 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને ‘રેસિસ્ટન્સ ફ્રન્ટ’ જેવા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનનો બચાવ કર્યો હતો, જે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહાર માટે જવાબદાર હતું.
તેમણે કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે ઓસામા બિન લાદેનને વર્ષો સુધી પોતાની પાસે છુપાવ્યો હતો અને આતંકવાદ વિરુદ્ધ લડવાનો દેખાવ કરતો રહ્યો હતો. તેમના મંત્રીઓએ પોતે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવતું આવ્યું છે.
‘તૂટેલા અને બળી ગયેલા એરબેઝને જીત ગણાવી રહ્યું છે પાકિસ્તાન’
ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનને તેના ખોટા દાવાઓ પર પણ ઘેર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન જે ‘જીત’ ની વાત કરી રહ્યા છે, તે ખરેખર ભારતીય હુમલામાં નષ્ટ થયેલા તેમના એરબેઝ, બળી ગયેલા હેંગર અને તૂટેલા રનવેની તસવીરો છે, જે જાહેરમાં ઉપલબ્ધ છે. જો પાકિસ્તાન આને જીત માને છે, તો તેને માનવા દો.
‘તમામ મુદ્દાઓ માત્ર દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવામાં આવશે’
ગહલોતે કહ્યું કે સત્ય એ છે કે પાકિસ્તાન ભારતમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે અને ભારત હંમેશા પોતાના લોકોની સુરક્ષા માટે વળતો જવાબ આપશે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ માત્ર દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવામાં આવશે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં.