કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે

સરકાર ઉપર દબાણ લાવવા આગામી દિવસોમાં બિહારમાં સર્વપક્ષીય બેઠક બોલાવી ભવિષ્યની યોજના ઘડી કાઢવાની નિતિશની તૈયારી

જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના મુદ્દે કેન્દ્ર સરકારના મહત્વના સાથી  એવા જનતાદળ (યુ)ના સુપ્રીમો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહેજપણ પીછેહઠ કરવા તૈયાર નથી .

એટલું જ નહીં પરંતુ આ મુદ્દે તે કેન્દ્ર સરકારની સાથે લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેમ લાગે છે. યાદ રહે કે કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવની તરફેણ કરતી નથી અને આ અંગે તેણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ  દાખલ કરી ખાતરી આપી હતી કે તે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે નહીં. 

કેન્દ્ર સરકારના આ વલણથી ભભૂકી ઉઠેલા બિહારના મુખ્યમંત્રીએ આડકતરી અમે ગર્ભિત ધમકી પણ આપી હતી કે તે આ મુદ્દે રાજ્યના તમામ પક્ષોની સાથે વાટાઘાટો કરશે અને સર્વપક્ષિય બેઠક બોલાવી તેમાં સર્વસંમતિ ઉભી કરવામાં આવશે. આમ નીતિશ કુમારના આકરા વલણથી બિહારના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આરંભથી જ જાતિ આધારિત વસ્તી કરાવવાની તરફેણ કરી રહ્યા છે, અને તએથી જ તેમણે ગત 23 ઓગસ્ટના રોજ રાજ્યના તમામ પક્ષોના પ્રતિનિધિઓને સમાવતા એક 10 સભ્યોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી

અને આવનેદનપત્ર આપી જાતિ આધારિત વસ્તી હાથ ધરવાની માંગણી કરી હતી. આ મુલાકાત દરમ્યાન નીતિશ કુમારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના અનેક ફાયદા ગણાવ્યા હતા. નીતિશ કુમારે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની માંગણી એકલા બિહારની નથી.

 આ મુદ્દે તે બિહારના તમામ પક્ષોની સાથે વાટાઘાટો કરશે અને ભવિષ્યમાં શું કરવું તે અંગેની એક યોજના ઘડી નાંખવામાં આવશે. આ મુદ્દે અહીં પત્રકારો સાથે વાત કરતાં બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ તદ્દન ઉચિત છે એટલું જ નહીં પરંતુ તે આજના સમયની તાતી માંગ છે. આ માંગ વિકાસનું સમર્થન કરનારી છે.