એવું કહેવાય છે કે, અરબ યાત્રી અલ-બરૂનીના પોતાની યાત્રાના વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જોઈને ગઝનવીએ આશરે 5,000 સાથીઓ સાથે આ મંદિર પર હુમલો કરી દીધો હતો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તા સંભાળે 1.5 મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે અને હવે તેણે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તાલિબાની નેતા અનસ હક્કાનીએ મંગળવારે મહમૂદ ગઝનવીની કબરની મુલાકાત લીધી હતી. ત્યાં પહોંચીને તેણે ગઝનવીની પ્રશંસા કરી હતી અને સોમનાથ મંદિર ધ્વસ્ત કરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.   મહમૂદ ગઝનવીએ ગુજરાતના સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું અને તેણે 17 વખત ભારત પર હુમલો કર્યો હતો. અનસ હક્કાની તેની દરગાહ પર પહોંચી ગયો હતો અને ખૂબ જ ગર્વ સાથે સોમનાથ મંદિર ધ્વસ્તનો ઉલ્લેખ કર્યો હતો. હક્કાનીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આજે અમે 10મી સદીના મુસ્લિમ યોદ્ધા અને મુજાહિદ મહમૂદ ગઝનવીની દરગાહની મુલાકાત લીધી. ગઝનવીએ એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કરેલું અને સોમનાથની મૂર્તિ તોડી હતી.

વર્ષ 1026માં થયો હતો મંદિર પર હુમલો

મહમૂદ ગઝનવીએ 1026માં ભારતના 12 જ્યોતિર્લિંગો પૈકીના એક સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે, અરબ યાત્રી અલ-બરૂનીના પોતાની યાત્રાના વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જોઈને ગઝનવીએ આશરે 5,000 સાથીઓ સાથે આ મંદિર પર હુમલો કરી દીધો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી. સોમનાથ મંદિર પર તેના પહેલા અને તેના પછી પણ અનેક વખત હુમલા થયા અને તેને તોડવામાં આવ્યું. જોકે દરેક વખતે તેનું પુનર્નિર્માણ પણ થયું. છેલ્લી વખત સરદાર વલ્લભભાઈ પટેલના આદેશ પર આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.