મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ, નવા મંત્રીમંડળમાં યુવાનોને તક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 10 કેબિનેટ મંત્રીઓને સ્થાન. ઈતિહાસમાં પહેલી વખત 5-5 મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા.

– રાજેન્દ્ર ત્રિવેદી, જિતેન્દ્ર વાધાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ કુમાર મોદી અને રાધવ પટેલે શપથ ગ્રહણ કર્યા. 

– ઉદય સિંહ ચૌહાણ, મોહનલાલ દેસાઈ, કિરીટ રાણા, ગણેશ પટેલ, પ્રદીપ પરમારે શપથ ગ્રહણ કર્યા.

– હર્ષ સંઘવી, જગદીશ ઈશ્વર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા. 

– મુકેશ પટેલ, નિમિષાબેન, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કીર્તિ વાઘેલાએ શપથ ગ્રહણ કર્યા. 

– ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવ મકવાણા, વિનોદ મરોડિયા, દેવાભાઈ માલવે શપથ ગ્રહણ કર્યા. 

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આખી કેબિનેટ બદલી નાખવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યાર બાદ હવે નવી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે. શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા જ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું હતું. એવું માનવામાં આવે છે કે, વિધાનસભાને હવે નવા સ્પીકર મળશે. 

નવા મંત્રીમંડળનું સમીકરણ

નવા મંત્રીમંડળમાં જે નામ સામે આવ્યા તેમાં આ સમીકરણ બની રહ્યા છે- 

પટેલ- 8

ક્ષત્રિય- 2

ઓબીસી- 6

એસસી- 2

એસટી- 3

જૈન- 1

જો ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો- 

સૌરાષ્ટ્ર- 8

ઉત્તર ગુજરાત- 3

દક્ષિણ ગુજરાત- 7 

મધ્ય ગુજરાત- 6

મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે તેમની બેઠક યોજાઈ હતી. મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા તે મીટિંગ ખૂબ જ મહત્વની બની રહી હતી. 

ઉલ્લેખનીય છે કે, મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ બુધવારે યોજાવાનો હતો પરંતુ આખી ટીમ બદલાઈ શકે છે તેવી જાણ થતા જ ભાજપમાં વિવાદ જાગ્યો હતો. અનેક નારાજ મંત્રીઓ, ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. આ કારણે જ શપથ ગ્રહણ કાર્યક્રમને એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યો હતો. 

શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ ગુરૂવારે સાંજે 4:30 કલાકે પહેલી કેબિનેટ બેઠક યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.