વર્ષ 2026ના અંતથી વિદ્યાર્થીઓ 6 મહિનાના ઓપન વર્ક રાઈટ્સ આપતા નવા વિઝા માટે અરજી કરી શકશે, લેવલ-7 ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરનારા વિદ્યાર્થીઓ હવે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે પાત્ર બનશે

  • રોજગારી અને કૌશલ્ય પર ભાર: ન્યુઝીલેન્ડની જરૂરિયાત મુજબના કૌશલ્યો ધરાવતા ગ્રેજ્યુએટ્સને દેશમાં રોકી રાખવાનો સરકારનો લક્ષ્યાંક.

ન્યુઝીલેન્ડ સરકારે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રે વૃદ્ધિ લાવવા અને વિદેશી વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડના કાર્યબળમાં વધુ સારી રીતે જોડવા માટે નવી વિઝા નીતિઓની જાહેરાત કરી છે. આ ફેરફારોમાં નવા ‘Short Term Graduate Work Visa’ નો સમાવેશ થાય છે અને હાલના ‘Post Study Work Visa’ (PSWV) ની પાત્રતાના દાયરાને વધારવામાં આવ્યો છે.

નવો ‘Short Term Graduate Work Visa’: 2026ના ઉત્તરાર્ધથી અમલમાં આવનાર આ વિઝા એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ પૂર્ણ કરે છે પણ Post Study Work Visa માટે પાત્ર નથી.

  • સમયગાળો: આ વિઝા 6 મહિના માટે ‘ઓપન વર્ક રાઈટ્સ’ આપશે, જેથી વિદ્યાર્થીઓ નોકરી શોધી શકે અને બાદમાં ‘Accredited Employer Work Visa’ (AEWV) માં ટ્રાન્સફર થઈ શકે.
  • મુખ્ય શરતો: અરજદાર પાસે આત્મનિર્ભર રહેવા માટે ઓછામાં ઓછા $5,000 (NZD) હોવા જોઈએ. આ વિઝા જીવનમાં માત્ર 1 જ વાર મળશે.
  • પાત્રતા: ન્યુઝીલેન્ડમાં લેવલ 5 થી 7 નો અભ્યાસ (ઓછામાં ઓછા 24 અઠવાડિયાનો ફૂલ-ટાઈમ કોર્સ) કરેલો હોવો જોઈએ. ઇંગ્લિશ લેંગ્વેજ કે ફાઉન્ડેશન કોર્સ આમાં માન્ય ગણાશે નહીં.
  • મર્યાદાઓ: આ વિઝા ધારક પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે નહીં, તેમણે કોઈ એમ્પ્લોયર હેઠળ કામ કરવાનું રહેશે. વળી, તેઓ પોતાના પાર્ટનર કે બાળકોના વિઝા માટે સપોર્ટ કરી શકશે નહીં.

Post Study Work Visa (PSWV) માં ફેરફાર: સરકારે લેવલ-7 ના ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધારકો માટે આ વિઝાના દ્વાર ખોલ્યા છે.

  • નવી શરત: જો વિદ્યાર્થીએ લેવલ-7 નો ગ્રેજ્યુએટ ડિપ્લોમા ન્યુઝીલેન્ડમાં ફૂલ-ટાઈમ કર્યો હોય અને તેમની પાસે પહેલાથી જ કોઈ બેચલર ડિગ્રી (ન્યુઝીલેન્ડની કે વિદેશની) હોય, તો તેઓ આ વિઝા માટે અરજી કરી શકશે.
  • સમયગાળો: આ વિઝાનો સમયગાળો વિદ્યાર્થીએ ન્યુઝીલેન્ડમાં જેટલો સમય ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે વિતાવ્યો હશે તેટલો રહેશે (મહત્તમ 1 વર્ષ).
  • લાભ: આ વિઝા ધારકો તેમના પાર્ટનર અને બાળકોને વિઝિટર કે વર્ક વિઝા માટે સપોર્ટ કરી શકશે.

ફેરફાર પાછળનો હેતુ: આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કુશળ વિદ્યાર્થીઓને આકર્ષવાનો છે જેઓ ન્યુઝીલેન્ડની અર્થવ્યવસ્થામાં સીધું યોગદાન આપી શકે. સરકાર શિક્ષણની ગુણવત્તા જાળવી રાખીને ન્યુઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મજબૂત કરવા માંગે છે.

અરજીની સમયસીમા: વિદ્યાર્થીઓએ તેમના સ્ટુડન્ટ વિઝા પૂરા થયાના 3 મહિનાની અંદર આ નવા વિઝા માટે અરજી કરવાની રહેશે. ખાસ નોંધવું કે જે વિદ્યાર્થીઓ એકવાર શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ વિઝા લઈ લેશે, તેમને ભવિષ્યમાં બીજો સ્ટુડન્ટ વિઝા ત્યારે જ મળશે જો તેઓ ઉચ્ચ સ્તરનો (Higher Level) અભ્યાસ કરવા માંગતા હોય. વધુ માહિતી માટે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડની વેબસાઇટ પર ક્લિક કરો.