નમસ્કાર ગુજરાત ન્યૂઝ
છેલ્લા છ મહિનાથી ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળો સામે આવી હતી. ઘણી વખત તો ખુદ નરેશ પટેલે પણ રાજકારણમાં જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આજે આખરે છ મહિના બાદ નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં.
ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે યુવાનોને રાજકારણના પાઠ હવે ખોડલધામ સંસ્થા શીખવાડશે
કાગવડ ખાતે નરેશ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.
નરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, સર્વેમાં 80 ટકા યુવાનોએ નરેશ પટેલને રાજકારણમાં આવવા જણાવ્યું પરંતુ 100 ટકા વૃદ્ધોએ તેમને રાજકારણમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી. નરેશ પટેલના રાજકારણમાં નહીં જોડાવાના નિર્ણયને ભાજપે આવકાર્યો હતો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસમાં આવ્યા હોત ફાયદો થાત.
ખોડલધામ ખાતે નરેશ પટેલની મીટીંગ મળી હતી
ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથે મિટિંગ મળી હતી. ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત બીજું એક કારણ તે પણ હતું કે જો હું રાજકારણમાં ગયો હોત તો ખોડલધામની ઘણી પરિયોજનાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જે હજી પૂરી થઈ નથી તેના પર અસર પડી હોત. અમે તેને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ અને તેનાથી સમાજના લોકોને વધુને વધુ લાભ મળે તેમ ઇચ્છીએ છીએ. આ પરિબળે પણ રાજકારણમાં મને સક્રિય થતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય: નરેશ પટેલ
રાજકારણને લઇને તેઓએ જણાવ્યું કે, ‘મારો રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકુફ જ છે. એટલે કે આમ તમે રદ જ ગણી શકો. પણ સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય. આને પોલિટિકલ પ્રેશર ના કહી શકાય. કેમ કે જો પોલિટિકલ પ્રેશર હોત તો હું પહેલેથી રાજકારણમાં જવાનો નિર્ણય ના લઉં.’