લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પહેલી વેબ સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ NetFlix OTT પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે. આ ધમાકેદાર વેબ સિરીઝ 1લી મે એટલે કે આજે બુધવારે OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી છે.
સંજય લીલા ભણસાલીની વેબસિરીઝમાં આઝાદી પહેલાના ભારતના તે ભાગની વાર્તા દર્શાવવામાં આવી છે, જે આજે પાકિસ્તાન તરીકે ઓળખાય છે. પાકિસ્તાની તવાયફો પર આધારિત આ વેબસિરીઝ પ્રેમ, શક્તિ અને વિશ્વાસઘાતનું સંયુક્ત મિશ્રણ છે.
સંજય લીલા ભણસાલીએ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ દ્વારા OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે અને તેથી જ દર્શકોને દિગ્દર્શક પાસેથી ઘણી અપેક્ષાઓ છે,હવે તેઓ આ આશા પર ખરા ઉતરી શકશે કે નહી? તે જોવાનું રહેશે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત વેબ સીરિઝ હીરામંડીમાં તમને બ્રિટિશ રાજ દરમિયાન લાહોરનો રેડ-લાઇટ એરિયા જોવા મળશે. અહીં વેશ્યાઓ માત્ર લોકોના મનોરંજનનું સાધન નથી પણ તેને તે વિસ્તારની બેગમ કહેવામાં આવે છે.
આ વેબસિરીઝની વાર્તા મલ્લિકાજાન (મનીષા કોઈરાલા) અને ફરદીન (સોનાક્ષી સિંહા)ની આસપાસ ફરે છે. બંને વચ્ચે ઉગ્ર દુશ્મનાવટ છે અને બંને હીરામંડી પર શાસન કરવા માંગે છે. સત્તા સંઘર્ષની આ વાર્તામાં એક નવો વળાંક ત્યારે આવે છે જ્યારે મલ્લિકાજાનની નાની પુત્રી આલમ (શરમીન સહગલ) સામે આવે છે.
સંજય લીલા ભણસાલીએ આ વેબ સિરીઝમાં ઘણા કલાકારો સામેલ છે, પરંતુ મનીષા કોઈરાલા અને સોનાક્ષી સિંહા આ સિરીઝનો જીવ બની ગઈ છે. મનીષા કોઈરાલાએ ‘મલ્લિકાજાન’ના રોલમાં અદભૂત અભિનય કર્યો છે. મનીષાના અભિનયથી દર્શકો ઘણી વખત મલ્લિકાજાનના રોલના પ્રેમમાં પડવા મજબુર બન્યા છે.
બીજી બાજુ સોનાક્ષી સિન્હા છે, જે ફરદીનના રોલમાં અદભૂત દેખાય છે, સોનાક્ષીના શાનદાર એક્ટિંગથી દર્શકોને રોમાંચિત કરે છે.
સિરીઝમાં બાકીના કલાકારો પણ શાનદાર કામ કરતા જોવા મળ્યા છે. અદિતિ રાવ હૈદરીની ભૂમિકાનું નામ બિબ્બો છે, જે શ્રેણીમાં તે ભોળી-ભલી વેશ્યા બતાવાય છે અને લજ્જોની ભૂમિકામાં રિચા ચઢ્ઢા તમારું ધ્યાન ખેંચશે. તેની યુક્તિઓ દર્શકોને તેના રોલથી નફરત કરે છે. ફરદીન ખાન, શેખર સુમન, અધ્યયન સુમન પણ આ સિરીઝમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ‘હીરામંડી’નું ગીત ‘આઝાદી’ રિલીઝ થયુ હતું આ ગીતમાં તવાયફોને હીરામંડીથી કાઢી નાખવાની કે એ જગ્યા છીનવાઈ જવાની પીડા દેખાય છે. આ પહેલા ગીત ‘તિલસ્મી બાહેં’ અને ‘સકલ બન’ રિલીઝ થયા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. ફિલ્મની વાર્તા અંગ્રેજોના જમાનાની છે.
ભણસાલીની ફિલ્મોના ભવ્ય સેટનો દેખાવ અલગ જ હોય છે અને તેની ઝલક શ્રેણીમાં પણ જોઈ શકાય છે. હીરામંડીનો સેટ અને કલાકારના ડ્રેસ શાનદાર છે, જે વાર્તામાં ઉમેરો કરે છે. અત્યાર સુધી ઓટીટી પર ઓછા બજેટની ફિલ્મો અને સિરીઝ બનતી હતી, પરંતુ ભણસાલીની આ સિરીઝે ઓટીટીને પણ મોટા બજેટમાં ફીટ કરવાનો પ્રયાસ કર્યો છે. સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સિરીઝ હીરામંડી નિઃશંકપણે અદભૂત છે, જેની વાર્તા અને ભવ્ય સેટ તમારું ધ્યાન ખેંચશે.
આ સિરીઝમાં શાનદાર વાર્તા, કલાકારોનો અભિનય, ભવ્ય સેટ ધ્યાન ખેંચે તેવા છે પણ આ શ્રેણી થોડી લાંબી હોય થોડા સમય માટે નિરસ પણ લાગે છે.
દિગ્દર્શક અને નિર્માતા તરીકે, સંજય લીલા ભણસાલીએ હિન્દી સિનેમાને ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘બ્લેક’, ‘દેવદાસ’, ‘ગુઝારીશ’, ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો આપી છે, તેમની વાર્તાઓનો સાર કેમેરા દ્વારા સ્ક્રીન પર ટપકતો જાય છે. તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની વાર્તા મુંબઈના વેશ્યાવૃત્તિ બજાર પર આધારિત હતી, આ વખતે તે જ વાર્તા લાહોર પહોંચી છે.
અહીં તવાયફો દરેકના બેડ પાર્ટનર નથી પણ તે હંમેશા કોઈ નવાબ કે કોઈ અંગ્રેજ અધિકારીને પોતાનો ‘સાહબ’ બનાવવાની કોશિશ કરતી રહે છે. મુજરાઓમાં ખર્ચવામાં આવેલા પૈસા મલ્લિકા જાન પર વરસાવવામાં આવે છે અને જો આમ ન થાય તો તેમના કપડા ઉતારવામાં આવે છે અને તેમના કપડાની પણ તલાશી લેવામાં આવે છે. ‘હીરામંડી’ની વાર્તા વારંવાર આવા શંકાના વર્તુળમાં ફરતી રહે છે. તવાયફોમાં ચાલી રહેલા ષડયંત્રો, નવાબોના ઘર સુધી પહોંચેલી પ્રેમકથાઓ અને અંગ્રેજ અધિકારીઓને પ્યાદા તરીકે વાપરવાની તેમની યુક્તિઓ વચ્ચે ‘સબકા જાસૂસ એક’ જેવું ઉસ્તાદજીનું પાત્ર પણ છે.
ભણસાલીએ 14 વર્ષ પહેલા 200 કરોડના બજેટમાં બનેલી આ વેબ સિરીઝને વિશાળ સ્ટાર કાસ્ટ સાથે બનાવવાનું સપનું જોયું હતું. તેમણે પોતાનું આ સપનું સાકાર કર્યું છે. ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં આઠ એપિસોડ છે અને તે લાહોરના શાહી મહેલની પાછળના વિસ્તારની વાર્તા છે, જ્યાં ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાનની છોકરીઓને લેવામાં આવી હતી અને તેમને નૃત્ય અને ગાવાનું શીખવવામાં આવ્યું હતું.
આ ગણિકાઓના નૃત્યને જોઈને ઘણા નવાબ પોતાના મનોરંજન માટે અહીં આવતા હતા. બ્રિટિશ શાસન દરમિયાન, આ વિસ્તારનું નામ હીરામંડી બજાર-એ-હુસ્ન હતું. તેને રેડ લાઈટ એરિયાનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. સંજય લીલા ભણસાલીએ આઝાદી પહેલાના દ્રશ્યો દર્શાવતી આ પૃષ્ઠભૂમિ પર બનેલી ‘હીરામંડી’માં લાહોરના તવાયફના જીવનને બતાવવાનો પ્રયાસ કર્યો છે.
હીરામંડી એક મલ્ટિસ્ટારર વેબ સિરીઝ છે. સિરીઝમાં મનીષા કોઈરાલા ઉપરાંત સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ, શેખર સુમન, ફરદીન ખાન, અધ્યાયન સુમન અને ફરીદા જલાલ પણ મહત્વની ભૂમિકામાં છે. હીરામંડી આજે બપોરે 1 મેના રોજ Netflix પર સ્ટ્રીમિંગ થઈ છે.