3 વર્ષ સુધી પગારમાં છેતરપિંડી અને વિઝા કેન્સલ કરવાની ધમકી આપી; કામદારને $35,000 થી વધુનું વળતર ચૂકવાયું
માઉન્ટ માઉંગાનુઈ : ન્યુઝીલેન્ડના માઉન્ટ માઉંગાનુઈમાં સ્થિત ‘થર્સ્ટી લિકર’ (Thirsty Liquor) સ્ટોરના માલિક ઇન્દરપ્રીત સિંહને એક ભારતીય કામદારના શોષણ બદલ એમ્પ્લોયમેન્ટ રિલેશન્સ ઓથોરિટી (ERA) દ્વારા $33,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્ટોર મેનેજર તરીકે કામ કરતા દિવાકર પાંડેએ શ્રમ નિરીક્ષક (Labour Inspector) ને ફરિયાદ કરી હતી કે તેમનું વ્યવસ્થિત રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે.
કઈ રીતે થયું શોષણ? તપાસમાં બહાર આવ્યું છે કે દિવાકર પાંડે પાસે ત્રણ વર્ષ સુધી કામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને લઘુત્તમ વેતન (Minimum Wage), જાહેર રજાઓનો પગાર અથવા હોલિડે પે યોગ્ય રીતે આપવામાં આવ્યો ન હતો. કેટલીકવાર તો તેમને પગાર પણ ચૂકવવામાં આવતો ન હતો. તપાસ મુજબ, પાંડેને કુલ $35,549 ઓછા ચૂકવવામાં આવ્યા હતા. આરોપી માલિક ઇન્દરપ્રીત સિંહે ગયા વર્ષે જાન્યુઆરીમાં આ રકમ પાંડેને ચૂકવી દીધી હતી.
વિઝાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો: ERA ના સભ્ય જેરેમી લિંચે જણાવ્યું હતું કે આ છેતરપિંડી અજાણતા નહીં પણ જાણી જોઈને કરવામાં આવી હતી. દિવાકર પાંડે ‘એમ્પ્લોયર સ્પેસિફિક’ વિઝા પર હતા, જેનો અર્થ એ કે તેઓ માત્ર સિંહની કંપનીમાં જ કામ કરી શકતા હતા. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સિંહે તેમને વિઝા રદ કરવાની ધમકીઓ પણ આપી હતી. લેબર ઇન્સ્પેક્ટરે આ વર્તનને “અત્યંત શરમજનક” (Egregious) ગણાવ્યું હતું.
ચુકાદો અને દંડ: ઓથોરિટીએ માલિક ઇન્દરપ્રીત સિંહને વ્યક્તિગત રીતે $11,000 અને તેમની કંપની ‘હોટ સ્પોટ લિક્કર લિમિટેડ’ ને $22,000 નો દંડ કર્યો છે. લિંચે એવો પણ આદેશ આપ્યો છે કે આ દંડની રકમમાંથી $8,250 સીધા કામદાર દિવાકર પાંડેને ચૂકવવા જોઈએ. શ્રમ નિરીક્ષક કેટરિઓના ઇકેનાસિયોએ જણાવ્યું કે, “જે વ્યવસાયો ઇરાદાપૂર્વક કામદારોનું શોષણ કરે છે તેમનું ન્યુઝીલેન્ડના બજારમાં કોઈ સ્થાન નથી.”