ધોનીની ટી-20ની 300મી મેચમાં કેપ્ટનના રેકોર્ડ સાથે યશકલગી, જીતવા માટેના 193 રનના પડકાર સામે કોલકાતા ના 9 વિકેટ 165 : પ્લેયર ઓફ ધ મેચ ડુ પ્લેસિસના 59 બોલમાં 86 રન
ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા આજે ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું. જોગાનુજોગ ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી. ધોની ચેન્નાઇના કેપ્ટન કે ખેલાડી તરીકે આવતા વર્ષે રમવાનો નથી તેમ તેણે થોડા દિવસો પહેલા જણાવ્યું હતું. આમ ધોનીની ટી-20 કારકિર્દીનો સોનેરી યુગનો આજની સિધ્ધી સાથે અંત આવ્યો છે. કોલકાતાના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટિંગ આપી હતી પણ તે નિર્ણય ભારે પડયો હતો.
ચેન્નાઇએ તેની 20 ઓવરોમાં પ્લેયર ઓફ ધ મેચ ઓપનર ડુ પ્લેસિસના 59 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથેના 86 રન તેમજ તેને ગાયકવાડ (32), ઉથપ્પા (31) અને મોઇન અલીના (37 અણનમ) સાથ મળતા 20 ઓવરોમાં 3 વિકેટે 192 રન કર્યા હતા. જવાબમાં કોલકાતાએ શુભમન ગીલ (51) અને વેંકટેશ ઐયર (50) વચ્ચેની 10.4 ઓવરમાં 91 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી ત્યારે એવું લાગતું હતું કે કોલકાતા પણ પડકાર ઝીલીને ચેન્નાઇને જોરદાર આઘાત આપશે પણ આખરી 9.2 ઓવરોમાં 102 રન કરવાના હોઇ તેઓએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી તેના લીધે તેઓનો રન રેટ પણ ઘટતો ગયો.
ઐયર આઉટ થયા બાદ રાણા (0), નારાયણ (2) અને ગીલ અને કાર્તિક (9) આઉટ થતા કોલકાતા વિના વિકેટે 10.3 ઓવરોમાં 91 રનથી 14.5 ઓવરોમાં 119 રને પાંચ વિકેટના સ્કોર પર આવી ગયું હતું. આખરી 31 બોલમાં 74 રન કરવાના સ્વાભાવિક રીતે મુશ્કેલ હતા અને કોલકાતા તે પછી હાર તરફ ધકેલાયું હતું. ચેન્નાઇના શાર્દુલ ઠાકુરે એક જ ઓવરમાં ઐયર અને રાણાને આઉટ કરીને પ્રથમ બે વિકેટ ઝડપી અને તે પછી જાડેજાએ તેની સ્પિન બોલિંગથી વિકેટો ખેરવી હતી. કોલકતાની ઓપનીંગ જોડી છૂટી પડયા બાદ મેચ જાણે ઔપચારિક બની ગઇ હોય તેમ કેપ્ટન મોર્ગન (4), ત્રિપાઠી (2) રને આઉટ થયા હતા અને ચેન્નાઈએ આસાનીથી વિજય મેળવ્યો હોય તેમ ટાઈટલ જીત્યું હતું.
હાઈલાઈટ્સ
* ચેન્નાઇના 50 રન વિના વિકેટે 6 ઓવરમાં
* ચેન્નાઇના 100 રન 1 વિકેટે 11.3 ઓવરમાં
* ચેન્નાઇના 192/3 20 ઓવરમાં
* કોલકાતાના 50 રન વિના વિકેટે 6 ઓવરમાં
* કોલકાતાના 100 રન 3 વિકેટે 12.2 ઓવરમાં
* કોલકાતાના 150 રન 8 વિકેટે 18.3 ઓવરમાં
* કોલકાતાના 20 ઓવરમાં 165/9