ભારતના પૂર્વ ક્રિકેટર અને
પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર રાજકીય સંન્યાસ લઈ રહયા છે અને 2024ની લોકસભા ચૂંટણી નહીં લડવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આજે શનિવારે, તેમણે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું કે તે આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં.

ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે અને રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર ગૌતમ ગંભીર 2019માં ભાજપમાં જોડાયા હતા અને પૂર્વ દિલ્હીથી સાંસદની ચૂંટણીમાં ઝંપલાવી કોંગ્રેસ પાર્ટીના પીઢ નેતા અરવિંદર સિંહ લવલીને 6.95 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા.

ગૌતમ ગંભીરે ટ્વિટ કરી લખ્યુ કે, “મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાજીને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.
હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું કે જેઓએ મને લોકોની સેવા કરવાની તક આપી તે બદલ હું તેઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિંદ.”

હાલમાં, ગંભીર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સનો માર્ગદર્શક છે.
આ પહેલા તેઓ 2022 અને 2023 સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર માર્ગદર્શક રહી ચૂક્યા છે