દેશભરમાં લોકોની નજર મધ્યપ્રદેશના રાજકીય ગતિવિધિઓ ઉપર રહી હતી અને આખરે મુખ્યમંત્રીપદ માટે મોહન યાદવના નામની જાહેરાત થતાંજ ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાર પહેરાવીને યાદવનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત બાદ મોહન યાદવે કહ્યું- હું પાર્ટીનો નાનો કાર્યકર છું. તેમના પ્રેમ અને સમર્થન માટે રાજ્ય નેતૃત્વ અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. હું મારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવીશ.
આ પ્રસંગે પત્ની સીમા યાદવે કહ્યું-ભગવાન મહાકાલની કૃપા થઈ છે અને પાર્ટીમાં સખત મહેનતનું આ ફળ મળ્યું છે અને આજે તેઓ ખુબજ ખુશ છે.

આ બધા વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે નવી સરકાર આગામી તા.14 ડિસેમ્બરે શપથ લઇ શકે છે.
જે બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
જણાવવામાં આવી રહ્યું છે કે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે કેન્દ્રના રાજકારણમાંથી રાજ્યમાં લાવવામાં આવેલા પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને શિવરાજ સિંહ ચૌહાણની આગામી સરકારમાં શું ભૂમિકા હશે? આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. પાર્ટીનું સમગ્ર ધ્યાન હવે રાષ્ટ્રીય રાજનીતિ પર રહેશે એટલે કે 2024ની લોકસભા ચૂંટણી અને પાર્ટીનું લક્ષ્ય રાજ્યની તમામ 29 બેઠકો જીતવાનું રહેશે. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં છિંદવાડા સિવાય રાજ્યની 29માંથી 28 બેઠકો જીતી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી