દુનિયાભરમાં 19 ટકા કેસ અમેરિકામાં નોંધાયા
અમેરિકામાં કોરોનાથી થયેલા મોતનો આંકડો સાત લાખને પાર કરી ગયો છે. કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહેલા અમેરિકામાં વેક્સીનેશન પ્રોગ્રામ પૂરજોશમાં ચાલી રહ્યો હોવા છતા ગત સપ્તાહે રોજ બે હજાર લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના કેસ અને મૃતકોની સંખ્યાની રીતે અમેરિકા હાલમાં પહેલા ક્રમે છે. દુનિયાભરમાં 19 ટકા કેસ અમેરિકામાં છે અને 14 ટકા મોત પણ અમેરિકામાં જ થયા છે.
ન્યૂઝ એજન્સીના આંકડા પ્રમાણે બહુ જલ્દી દુનિયામાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 50 લાખને પાર કરી શકે. હાલમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે દુનિયામાં કહેર મચાવ્યો છે. અમેરિકામાં મૃતકોના આંકડાને 6 લાખથી સાત લાખ પર પહોંચવામાં માત્ર સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. જોકે વેક્સીનેશન વધ્યુ હોવાથી હવે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં હોસ્પિટલોમાં દાખલ દર્દીની સંખ્યા 93000 હતી અને હવે આ આંકડો 75000 પર આવી ગયો છે.