ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ લેવાયો નિર્ણય
ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં પ્રસાદી સ્વરૂપ મોહનથાળને અચાનક જ બંધ કરી દેવાતા ભક્તોમાં છેલ્લા કેટલાક સમયથી નારાજગી જોવા મળી રહી હતી. જેને લઇને સોશિયલ મીડિયામાં ભક્તો દ્વારા તથા વિશ્વ હિંદુ પરિષદે હોબાળો મચાવ્યો હતો. ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે હવે મંદિરમાં માત્ર ચિક્કીનો જ પ્રસાદ આપવામાં આવશે. પરંતુ ભક્તોની નારાજગી બાદ આખરે હવે સરકારને ઝુકવાનો વારો આવ્યો છે. હવે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. વિરોધમાં ન માત્ર ભક્તો જોડાયા હતા પરંતુ કોંગ્રેસે પણ તેનો ખુબ વિરોધ કર્યો હતો. અંબાજી મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને દાંતા રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે.
ચિક્કી માટે સરકાર અને મંદિર પ્રશાસન મક્કમ હતું, હવે અચાનક યુ-ટર્ન
ચીકીના ફાયદા ગણાવવામાં વ્યસ્ત અને આસ્થાને અવગણી રહેલી સરકારે આ વિરોધને ડામવાની પણ તૈયારીઓ કરી લીધી છે. વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અંબાજી મંદિરના ગેટ નંબર 7 પર જાહેરનામું લગાવવામાં આવ્યું છે. જેમા કડક સૂચનોનુ પાલન કરવાનુ થશે. અંબાજી મંદિરના સાત નંબરના ગેટ પર લગાવેલા જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, 10 માર્ચથી 24 માર્ચ સુધી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણાં, રેલી યોજી શકાશે નહીં.