આજકાલ મોબાઈલ ફાટવાની ઘટનાઓ વચ્ચે મેરઠમાં ચાર્જમાં મુકેલો મોબાઈલ ફાટતા સર્જાયેલી દુર્ઘટનામાં ચાર માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો.
મેરઠના મોદીપુરમની જનતા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા એક શ્રમિક પરિવારના ઘરમાં ચાર્જ કરવા જતાં મોબાઈલમાં શોર્ટ સર્કિટના કારણે મોબાઈલ ફોન ધડાકાભેર ફાટતાં રૂમમાં આગ લાગી ગઈ હતી પરિણામે ત્યાં હાજર ચાર બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આગથી ઘેરાયેલા બાળકો બૂમો પાડવા લાગતા વિસ્ફોટ અને બાળકોનો અવાજ સાંભળીને બાળકોના માતાપિતા જોની અને બબીતા ​​રસોડામાંથી રૂમ તરફ દોડ્યા હતા બંનેએ દાઝેલી હાલતમાં બાળકોને આગમાંથી બહાર કાઢ્યા હતા. બાળકોને બચાવતી વખતે બબીતા ​​અને જોની પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
બીજી તરફ વિફોટનો અવાજ અને ચીસાચીસ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને દાઝેલા તમામને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના મોત થયા હતા જ્યારે તેમના માતાપિતાની હાલત નાજુક છે.

મુઝફ્ફરનગર જિલ્લાના સિખેડાનો રહેવાસી જોની (41) મજૂરી કામ કરે છે. તે તેની પત્ની બબીતા ​​(37) અને ચાર બાળકો સારિકા (10), નિહારિકા (8), ગોલુ (6) અને કલ્લુ (5) સાથે મોદીપુરમના જનતા કોલોનીમાં એક મકાનમાં ભાડેથી રહે છે.

કહેવામાં આવ્યું હતું કે શનિવારે સાંજે રૂમમાં બાળકો રમી રહ્યા હતા.
ત્યારે રૂમમાં પલંગ પર વાયરો વિખરાયેલા હતા અને બાળકો મોબાઈલ ચાર્જર ઈલેક્ટ્રીકલ બોર્ડમાં લગાવી રહ્યા હતા.
આ સમયે ચાર્જર ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ થયુ હતું અને આગ પકડતા મોબાઈલ ફોન ફાટ્યો હતો અને પલંગમાં લાગેલી આગ આખા રૂમમાં પ્રસરી હતી જેમાં તમામ દાઝી ગયા હતા.

બાળકોના પિતા જોનીની સારવાર ચાલી રહી છે, જ્યારે માતા બબીતાને ગંભીર હાલતમાં દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,તેની હાલત પણ નાજુક છે.
આ કરુંણ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.